સૌથી વધુ સંપત્તિ ગુમાવવાનો વિક્રમ એલન મસ્કના નામેઃ 180 બિલિયન ડોલર ગુમાવ્યા

Sunday 29th January 2023 11:55 EST
 
 

નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. આ રેકોર્ડ એવો છે કે જેને જોઈને ખુદ મસ્ક પણ શરમાઈ જાય. આ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાની અંગત સંપત્તિ ગુમાવવાના મામલે બન્યો છે. વિશ્વના આ જાણીતા ઉદ્યોગપતિએ નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં 180 બિલિયન ડોલરની અંગત સંપત્તિ ગુમાવી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ અંદાજિત આંકડો છે. અગાઉ આ રેકોર્ડ જાપાની ટેક ઈન્વેસ્ટર માસાયોશી સોનના નામે હતો. તેમણે વર્ષ 2000માં 58.6 બિલિયન ડોલર ગુમાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. મસ્કનો આંકડો આના કરતા ઘણો વધારે છે.
‘ફોર્બ્સ’ મેગેઝિન અનુસાર, મસ્કની નેટવર્થ વર્ષ 2021માં 320 બિલિયન ડોલરના ટોપ લેવલથી ઘટીને જાન્યુઆરી 2023માં 138 બિલિયન ડોલર થઈ ગઈ છે. મસ્કની સંપત્તિમાં આ ઘટાડો ટેસ્લા શેરના અત્યંત નબળા પ્રદર્શનને કારણે આવ્યો છે. આ સિવાય મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિનું બિરુદ પણ ગુમાવી ચૂક્યા છે. તેમનું સ્થાન હવે બર્નાર્ડ આર્નોલ્ટે લીધું છે. તેઓ લક્ઝરી ગુડ્સ ગ્રુપ LVMH ના સ્થાપક છે. તેમની કુલ સંપત્તિ 190 બિલિયન ડોલર છે.
માનવ ઇતિહાસમાં મસ્કે ભલે સૌથી વધુ સંપત્તિ ગુમાવી હોય, છતાં તેઓ હજી પણ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. ટેસ્લાના શેરમાં છેલ્લા ત્રણ મહિનાથી ફ્રીફોલ જોવા મળી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ મસ્કનું ટ્વિટર પર કબજો અને તેની સાથે સંબંધિત મુદ્દાઓ છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના શેરના ભાવ ગયા વર્ષે 65 ટકા ઘટ્યા હતા.
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરની કમાન સંભાળ્યા બાદથી મસ્કના દિવસો સારા નથી ચાલી રહ્યા. તેમને એક પછી એક આંચકા મળી રહ્યા છે. ટ્વિટરમાં એક પછી એક ફેરફાર કર્યા બાદ મસ્કે કર્મચારીઓને મળતી સુવિધાઓમાં ઘટાડો કર્યો છે. ખર્ચ ઘટાડવા માટે, મસ્કે માત્ર ટ્વિટરમાં કર્મચારીઓની છટણી જ નથી કરી પરંતુ ડેટા સેન્ટર, કિચન સર્વિસ, સિક્યુરિટી જેવી સેવાઓ પણ બંધ કરી દીધી છે. વર્ષ 2021માં મસ્કને ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને પ્રતિભાશાળી, સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને શોમેન ગણવામાં આવ્યા હતા. ‘ટાઈમ’ મેગેઝીને લખ્યું છે કે જે વ્યક્તિ પૃથ્વી વિશે વિચારે છે, મંગળ પર જાય છે અને ઈલેક્ટ્રોનિક કાર વેચે છે, હવે તે વ્યક્તિએ લગભગ 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવીને બદનામીનો એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter