સ્થૂળ વેઈટર તમારો ખોરાક વધારે

Friday 08th January 2016 05:03 EST
 
 

લંડનઃ એ હકીકત છે કે આપણે જમવા બેસીએ ત્યારે આસપાસના વાતાવરણની અસર લેવાતા ખોરાકના પ્રમાણ પર પડતી હોય છે. સુમધુર સંગીત વાગતું હોય અને સુગંધિત વાતાવરણ હોય ત્યારે વધારે જમી લેવાય છે. આ વાત કદાચ વિચિત્ર લાગે પરંતુ એક અભ્યાસ અનુસાર રેસ્ટોરાં કે હોટેલમાં વેઈટર અથવા વેઈટ્રેસ મેદસ્વી હોય તો ભોજન કરનારા લોકો વધુ ખોરાકનો ઓર્ડર કરે છે. ન્યૂ યોર્કની કોર્નેલ યુનિવર્સિટી અને જર્મનીની યુનિવર્સિટી ઓફ જેનાના સંશોધકો દ્વારા અભ્યાસમાં આમ જણાવાયું છે.

 ઓછાં બોડી માસ ઈન્ડેક્સ એટલે કે પાતળું શરીર ધરાવતા વેઈટર્સ સ્ટાફ હોય તેની સરખામણીએ મેદસ્વી સ્ટાફની હાજરીમાં લોકો ચાર ગણી મીઠી વાનગીઓ- ડેઝર્ટ અને ૧૭.૬૫ ટકા વધુ આલ્કોહોલિક પીણાંનો ઓર્ડર કરે છે. એન્વિરોન્મેન્ટ એન્ડ બિહેવિયર જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ માટે સંશોધકોએ વિવિધ ૬૦ ફુલ-સર્વિસ રેસ્ટોરાંમાં આશરે ૫૦૦ ડાઈનર્સ અને તેમના વેઈટર્સ વચ્ચે વાતચીતોનું નીરિક્ષણ કર્યું હતું. યુકેની NHSના ધોરણ અનુસાર ૧૮.૫થી ૨૪.૯ આદર્શ બોડી માસ ઈન્ડેક્સ ગણાય છે૨૫ અને તેથી વધુ બીએમઆઈ ઓવરવેઈટ કે મેદસ્વી ગણાય છે.

સંશોધકોએ જણાવ્યું છે કે વેઈટરના વજનથી પ્રભાવિત થવું ન હોય તો રેસ્ટોરાંમાં શું ખાવું-પીવું છે તેનો આગોતરો નિર્ણય લેવો જોઈએ. અગાઉના અભ્યાસોમાં જણાવાયું છે કે ઘોંધાટિયા સંગીત અને વધુ પ્રકાશ સાથેનાં રેસ્ટોરાં આપણને વધુ ખાવા ઉત્તેજન આપે છે. તેથી વિપરીત હળવું જાઝ સંગીત ખોરાક લેવામું પ્રમાણ ઘટાડે છે. ખોરાક પીરસાય છે તે ક્રોકરી પણ ખોરાકના પ્રમાણ પર અસર કરે છે. પ્લેટ અને ખોરાક વચ્ચે વધુ તફાવત હોય તો ઓછું ખવાય છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાનો અભ્યાસ દાવો કરે છે કે તમારા ડાઈનિંગ રુમમાં અરીસા રાખો તો પણ વજન ઉતારવામાં મદદ મળે છે કારણ કે અરીસાના કારણે જન્ક ફૂડનો સ્વાદ ખરાબ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter