સ્પેનમાં ભૂતડાં પીરસે છે ગ્રાહકોને ભાવતાં ભોજનિયાં

Tuesday 09th May 2023 11:08 EDT
 
 

la masia haunted restaurant
મેડ્રિડ, તા. 4ઃ આ હેડિંગ વાંચીને ડરનાં માર્યા ભૂખ મરી ગઈ ને?! કોઇ પણ વ્યક્તિને ભૂતના હાથે ભોજન પીરસાય તો સ્વાભાવિક છે કે ભાવતું ભોજન પણ ઝેર જેવું જ લાગવાનું. જોકે આ રેસ્ટોરાંની વાત અલગ છે.
દુનિયાની કદાચ આ પહેલી એવી રેસ્‍ટોરાં છે કે જયાં તમારું સ્‍વાગત વેઇટર નહીં પણ ભૂત કરે છે. અને સ્વાગત પણ કેવું? ભૂત દ્વારા કરવામાં આવતું સ્‍વાગત જોઈને તમે એવું કહેવાની ખો ભૂલી જશો કે સ્‍વાગત નહીં કરોગે હમારા..? વાત આટલેથી જ નથી અટકતી. અહીં આવનાર લોકોના ઓર્ડર પણ ભૂત જ લે છે અને તમને ફૂડ સર્વ પણ ભૂત જ કરે છે.
આવી આ અનોખી હોટેલ આવેલી છે સ્‍પેનમાં, અને એનું નામ છે ‘લા માસિયા એંકાટડા’. આ રેસ્‍ટોરાંનો કન્‍સેપ્‍ટ કદાચ આખી દુનિયામાં ક્‍યાંય નહીં જોવા મળે અને તેની થીમ ઈતિહાસથી પ્રેરિત છે. અસલમાં અહીં કોઈ ભૂતપ્રેત નથી પણ રેસ્‍ટોરાંના કર્મચારીઓ જ ભૂત-પ્રેત બનીને કસ્‍ટમર્સને ખાવાનું સર્વ કરે છે. એટલું જ નહીં, પણ અહીં આવનારા લોકોનું સ્‍વાગત લોહીયાળ ચપ્‍પુથી કરવામાં આવે છે.
17મી સદીમાં જોસેફ મા રિએસે માસિયા અને સુરોકાએ ‘લા માસિયા એંકાટડા’ નામનો બંગલો બનાવ્‍યો હતો, પણ એક દિવસ બંને વચ્‍ચે પારિવારિક વિવાદ થયો અને બંનેએ કાર્ડ ઉછાળીને પોતાની કિસ્‍મત અજમાવી. જેમાં, રિએસ પોતાની સંપત્તિ હારી ગયો, અને તેના પરિવારે ઘર છોડવું પડ્‍યું અને ત્‍યાર બાદ નવી પ્રોપર્ટી ઉભી કરી હતી.
જોતજોતામાં ‘લા માસિયા એંકાટડા’ એક ખંડેર બની ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 200 વર્ષ સુધી આ ઈમારત ખાલી પડી રહી હતી અને ત્‍યાર બાદ સુરોકાના વંશજોએ 1970માં આ બંગલાને એક રેસ્‍ટોરાંમાં કન્‍વર્ટ કરી નાખી હતી. તેમનો પરિવાર માનતો હતો કે આ બંગલો શાપિત છે, જેથી નવી પેઢીને વિચાર આવ્‍યો કે આ રેસ્‍ટોરાંને હોન્‍ટેડ રેસ્‍ટોરાંની થીમ પર જ ડેવલપ કરવામાં આવે.
બસ ત્‍યારથી જ આ રેસ્‍ટોરાં હોન્‍ટેડ રેસ્‍ટોરાં તરીકે ચલાવવામાં આવી રહી છે. અહીં ભૂતના કપડામાં વેઇટર લોકોને ખાવાનું સર્વ કરે છે. 60 લોકોની કેપેસિટી ધરાવતી આ રેસ્‍ટોરાંમાં પહેલાંથી જ તમારે બૂકિંગ કરાવું પડે છે. જયારે, પણ અહીં કોઈ કસ્‍ટમર આવે તો પહેલાં તેનું લોહિયાળ ચપ્‍પુ કે પછી તલવારથી સ્‍વાગત કરવામાં આવે છે.
જમતી વખતે પણ અહીં એક શો ચલાવવામાં આવે છે, જેને જમતાં જમતાં જોવાનું કંઈ ખાવાના ખેલ નથી. જેમાં અલગ-અલગ ભૂત તમને એન્‍ટરટેન કરે છે અને સાથે સાથે અવનવી અજીબોગરીબ ફૂડ આઈટમ સર્વ કરે છે, જે જોઈને કોઈનાં પણ મોંમાંથી બૂમ નીકળી શકે છે. આ શોમાં લોકો માત્ર દર્શક નથી બનીને રહેતા પણ તેઓ પ્રોગ્રામનો ભાગ પણ બની જાય છે.
આ અનોખા રેસ્‍ટોરાંમાં તમને મોબાઈલ લઇ જવાની પરવાનગી આપવામાં આવતી નથી. આની સાથે સાથે જ રેસ્‍ટોરાંમાં કેમેરા, ડિજીકેમ, વીડિયો કેમેરા લઇ જવાની મનાઈ છે. જો તમને પણ ભૂતપ્રેતમાં રસ હોય અને સ્‍પેનની મુલાકાતે ગયા હોવ તો આ અનોખી રેસ્‍ટોરાંની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter