હજાર વર્ષ પૂર્વે પણ યુદ્ધમાં હાથગોળા વપરાતા હતા

Monday 09th May 2022 12:44 EDT
 
 

યેરુસલેમઃ આધુનિક યુદ્ધમાં હેન્ડગ્રેનેડનો ઉપયોગ નવાઇની વાત નથી, પરંતુ જો કોઈ એમ કહે કે હજાર વર્ષ પહેલાં પણ યુદ્ધમાં હાથગોળાનો ઉપયોગ થતો હતો તો?! ભાગ્યે જ કોઇ આ વાત માનશે, પણ આ હકીકત છે. ઈઝરાયેલના શહેર યેરુસલેમમાં મળેલા પ્રાચીન સીરામિક વાસણોની ચકાસણી કરતાં જાણવા મળ્યું છે કે આજથી 900 વર્ષ પહેલાં પણ યુદ્ધમાં હાથગોળાનો ઉપયોગ થતો હતો. પુરાતત્વવિદોને પહેલાં લાગ્યું કે આ તો સામાન્ય વાસણ છે, પણ તેની જ્યારે તલસ્પર્શી ચકાસણી કરાઇ ત્યારે આશ્ચર્યચકિત વાત બહાર આવી. સંશોધકોએ જણાવ્યું કે તેમને મળેલા ગોળાકાર વાસણનો ઉપરનો હિસ્સો ધારદાર હતો.

આ ડિઝાઈનના વાસણનો ઉપયોગ મિડલ ઇસ્ટમાં કરવામાં આવે છે. સંશોધકોએ યેરુસલેમમાં આર્મેનિયમ ગાર્ડન્સ નામની જગ્યાની તપાસ કરી હતી, જે સ્થળ 11 અને 12મી સદીની વચ્ચે હોવાનું જાણવા મળ્યું. તેમને અહીં ચાર પ્રાચીન સીરામિક જાર મળ્યા. જેમાંથી એકમાં તેલ રાખવામાં આવતું હતું. બીજા બે જારમાં ખુશ્બુદાર ચીજો હતી, જેમ કે અત્તર કે દવા વગેરે જ્યારે ચોથા જારમાં વિસ્ફોટક સામગ્રીના અંશ મળ્યા હતા. તે સમયે ખબર પડી કે આ વાસણનો ઉપયોગ હાથગોળા તરીકે કરાતો હતો. તેના આધારે તારણ નીકળ્યું કે 1095થી 1291 વચ્ચે આ વિસ્તારના યોદ્ધાઓ આ હાથગોળાનો ઉપયોગ કરતા હશે. આ યોદ્ધાઓ યુરોપીયન હુમલાખોરો સાથે થતાં સંઘર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરતા હશે. આ હાથગોળાના ઉપયોગનો ઉલ્લેખ ઈઝરાયેલના જૂના દસ્તાવેજોમાં પણ મળ્યો છે. તેમાં કહેવાયું છે કે ક્રુસેડર નાઈટ્સ અને યુરોપીયન લડાકુઓ વચ્ચેના સંઘર્ષ દરમિયાન હાથથી ફેંકાતા ગોળાનો ઉપયોગ થતો હતો. જોકે તે વેળા પુરાતત્વીય પુરાવો ન હોવાથી આ વાત માનવામાં આવી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter