હમ હોંગે કામિયાબ એક દિન...

સતત 9 વર્ષના સંઘર્ષ પછી 139મી ટ્રાયલે ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરી

Friday 10th April 2026 08:42 EDT
 
 

હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય. જોકે પોલેન્ડના આ ભાયડાની વાત અલગ છે. તેણે ભલે આ ગીત સાંભળ્યું નહીં હોય, પણ તેનો જુસ્સો કાબિલેતારીફ છે. ઘણીવાર લોકો એક કે બે વાર નિષ્ફળતા મળતાં જ હિંમત હારીને બેસી જાય છે ત્યારે પોલેન્ડના ટાર્નોવ શહેરમાં રહેતા આ વ્યક્તિએ સાબિત કરી દેખાડ્યું છે કે જો મનમાં અતૂટ વિશ્વાસ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. આ ભાઇએ 9 વર્ષના અંતે 139માં પ્રયત્ને ડ્રાઇવિંગ લાયસન્સ માટેની થિયરી એક્ઝામ પાસ કરી છે. આ વ્યક્તિ વર્ષ 2017થી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની થિયરી એક્ઝામ એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ આપતો હતો. આ 9 વર્ષમાં દુનિયા બદલાઈ ગઈ, ટેકનોલોજી બદલાઈ ગઈ, પણ તેનો ઈરાદો ન ડગ્યો. સતત 138 વખત કોમ્પ્યુટર સ્ક્રીન પર ‘FAIL’ લખેલું જોવા છતાં તેણે હાર ન માની. આખરે 139માં પ્રયાસમાં તેણે પરીક્ષા પાસ કરી છે. પરીક્ષા ફી પેટે તેણે અત્યાર સુધીમાં અંદાજે 1,800 યુરો (આશરે રૂ. 1.75 લાખ) ખર્ચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter