હવે અમેરિકી સરકારના દરેક મહત્ત્વના નિર્ણયો પર ‘આખરી મહોર’ કમલાદેવી હેરિસની હશે

Saturday 30th January 2021 03:29 EST
 
 

વોશિંગ્ટનઃ શપથગ્રહણ વિધિ સાથે જ કમલા હેરિસની ભૂમિકા અત્યંત મહત્ત્વની થઈ ગઇ છે. કમલા હેરિસની ઓફિસના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે અત્યાર સુધી બાઈડેન ટીમમાં નિષ્ણાતો અને કેબિનેટ સભ્યોને પસંદ કરવાના જે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, તેમાં કમલા હેરિસની ભૂમિકા ચાવીરૂપ છે. તેમના પ્રભાવની છાપ બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં સ્પષ્ટ દેખાય છે. બાઈડેને બે ડઝનથી વધુ ભારતીય અમેરિકનોને ટીમમાં સમાવ્યા છે, જેની પાછળ કમલા હેરિસની જ ભૂમિકા છે. અમેરિકાની વસતીમાં એક ટકો હિસ્સો ધરાવતા ભારતીય-અમેરિકન સમાજ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.
હવે અર્થતંત્રની કાયાપલટ કરવાના, કોવિડ-૧૯ સામેના પડકારો ઝીલવામાં, ક્લાઈમેટ ચેન્જ અને રંગભેદ જેવા મુદ્દે ન્યાય અપાવવા જેવા નિર્ણયોમાં કમલાની ભાગીદારી રહેશે. તેમના સાથીના કહેવા પ્રમાણે, બાઈડેને પ્રેસિડેન્ટ ઓફિસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, દેશના મહત્ત્વના નિર્ણયોમાં ‘અંતિમ સ્વર’ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસનો રહેશે. એક ઈન્ટરવ્યૂમાં બાઈડેને કહ્યું હતું કે, ‘અત્યંત જરૂરી મામલામાં હું હાજર ના રહી શકું, તો મને કમલા હેરિસ પર વિશ્વાસ છે.’ બાઈડેન મહત્ત્વની બેઠકોમાં વિવિધ મુદ્દે નિર્ણય લેતાં પહેલા પોતાની ટીમ અને કમલાનો દૃષ્ટિકોણ જાણે છે.
કમલા હેરિસ નીતિ સંબંધિત નિર્ણયો લેવા યોજાનારી સેનેટ બેઠકોમાં પણ ભાગ લેશે. તેઓ બજેટ, જ્યુડિશિયરી, ઈન્ટેલિજન્સ અને હોમલેન્ડ સિક્યોરિટી જેવી અનકે સેનેટ કમિટીઓના સભ્ય રહેવાનો અનુભવ ધરાવે છે. આમ ઈન્ટેલિજન્સ અને હોમલેન્ડ સિક્યોરિટી કમિટીનો તેમનો અનુભવ ઉપ રાષ્ટ્રપતિ તરીકેની ભૂમિકામાં કામ આવશે કારણ કે, તેઓ નેશનલ સિક્યોરિટી અને નેશનલ પોલિસી ઈસ્યૂઝમાં પણ સામેલ થવાના છે.
જાણીતા ઈતિહાસકાર ડગ્લાસ બ્રિંક્લે કહે છે કે, ‘બાઈડેન અને કમલાના સંબંધ ટ્રમ્પ - માઈક પેન્સથી બિલકુલ અલગ હશે કારણ કે, અગાઉની સરકારમાં બધા નિર્ણયો ટ્રમ્પ જ લેતા હતા. જોકે, હવે કોઈ નિર્ણય ઉપ રાષ્ટ્રપતિની સંમતિ વિના નહીં લેવાય.’
એક અશ્વેત મહિલા તરીકે કમલાનો પ્રભાવ એટલે મહત્ત્વનો છે કે, તેઓ અમેરિકાના ત્રણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં આફ્રિકન-અમેરિકન, કેરેબિયન-અમેરિકન અને દક્ષિણ એશિયાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter