હવે અસલી જેવી જ માનવ ત્વચા બનાવવામાં સફળતા

Sunday 07th September 2025 07:46 EDT
 
 

સિડની: ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર પરિણામો મેળવી શકાશે. સ્ટેમ સેલ દ્વારા ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકાની ટીમ દ્વારા વિકસાવવામાાં આવેલી આ માનવ ત્વચાની પ્રતિકૃતિ એકદમ અસલી ચામડીની જેમ જ રક્તવાહિનીઓ, વાળ, નસો અને રોગપ્રતિકારક કોષો ધરાવે છે. યુનિ.ઓફ ક્વિન્સલેન્ડની ફ્રેઝર ઇન્સ્ટિટયુટના ટિશ્યુ એન્જિનિયરિંગ એન્ડ રિજનરેટિવ મેડિસિન વિજ્ઞાની અને ચીફ રિસર્ચર અબ્બાસ સૈફીએ જણાવ્યું હતું કે આ અસલી માનવ ત્વચાનું મોડેલ રોગોનો અભ્યાસ અને તેની સારવારનું વધારે ચોકસાઇપૂર્વક પરીક્ષણ કરવામાં ઉપયોગી થઇ પડશે.
અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનવત્વચાના રોગોનો અભ્યાસ કરવામાં અને તેને માટે નવી સારવારો વિકસાવવા પૂરતાં મર્યાદિત કામો કરતા હતા. પણ હવે આ અસલી માનવ ત્વચાના મોડેલ દ્વારા અમે રોગોનો વધારે બારીકાઇથી અભ્યાસ કરી શકીશું અને સારવારની અસરકારકતાનું પરીક્ષણ કરી શકીશું. નવી સારવાર પણ વિકસાવવામાં તે અમને ઉપયોગી બની રહેશે.
વિલી એડવાન્સ્ડ હેલ્થકેર મટિરિયલ્સ નામના પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલાં આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ કૃત્રિમ ત્વચા વિકસાવવામાં છ વર્ષ લાગ્યા છે. અબ્બાસ સૈફીએ આ માનવત્વચા વિકસાવવાની રીત વિશે જણાવ્યું હતું કે સ્ટેમ સેલ્સ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલી પ્રગતિને કારણે અમે ત્રિપરિમાણીય સ્કિન લેબ મોડેલ એન્જિનિયર કરી શક્યા છીએ. ટીમે માનવ ત્વચાના કોષ લઇ તેને સ્ટેમ સેલ્સ તરીકે રિપ્રોગ્રામ કર્યા હતા. આ નવા કોષમાંથી માનવશરીરના કોઇપણ હિસ્સાની ત્વચા બનાવી શકાય છે.
આ સ્ટેમ સેલ્સને પેટ્રી ડિશમાં મૂકી તેને વિકસાવવામાં આવતાં તેમાંથી ત્વચાનું મીની વર્ઝન સર્જાયું હતું. જે ઓર્ગનોઇડ સ્કિન તરીકે ઓળખાય છે. આ પછી અમે એ જ સ્ટેમ સેલ લઇ નાની રક્તકોશિકાઓ વિકસાવી હતી. જેને અમે આ વૃદ્ધિ પામતી ત્વચામાં જોડી દીધી હતી. જેને પરિણામે કુદરતી માનવત્વચાની જેમ જ તેમાં પણ પડ, વાળ, વર્ણ, નસો અને સૌથી મહત્વની બાબત તેનો આગવો રક્ત પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા પણ વિક્સાવી શકાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter