વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અટકી અને શાંતિ સ્થાપવામાં આવે એ માટેના પ્રયાસમાં સોમવારે વ્હાઈટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, યુરોપીયન દેશોના વડા અને યુરોપીયન યુનિયનના વડા વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે પછી તબક્કામાં રશિયા અને યુક્રેન વચ્ચે કયા પ્રદેશ એકબીજાને આપવા તૈયાર થાય તેની ચર્ચા કરવા માટે ત્રિપક્ષીય બેઠક યોજાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે.
રશિયાના પુતિન, યુક્રેનના ઝેલેન્સકી અને અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ વચ્ચે અગામી દિવસોમાં બેઠક યોજાશે એવો નિર્દેશ બેઠક બાદ પત્રકાર સાથેની વાતચીતમાં મળ્યો હતી. ‘હવે પછીનું પગલું ત્રિપક્ષીય બેઠક યોજાય એ છે. આ બેઠક આગામી સપ્તાહ કે બે સપ્તાહમાં યોજાઈ શકે છે,’ એમ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું.
યુક્રેને યુદ્ધ તો સમેટવું જ પડશેઃ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલા આકરો સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે યુક્રેને રશિયા સાથે યુદ્ધ પૂરું કરવું પડશે પડશે અને જો ઝેલેન્સ્કી આમ ઈચ્છતા નથી તો તે યુદ્ધ જારી રાખી શકે છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી જો ઇચ્છે તો રશિયા સાથેનું યુદ્ધ તાત્કાલિક અસરથી ખતમ કરી શકે છે.
‘નાટો’ સભ્યપદ કે ક્રિમીયા કંઇ નહીં મળે
અમેરિકા સહિતના દેશોના જોરે રશિયા સામે છેલ્લાં આશરે સાડા ત્રણ વર્ષથી રશિયા સામે લડી રહેલું યુક્રેન અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પના એક નિવેદનને પગલે કફોડી સ્થિતિમાં મુકાયું છે. રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને હથિયારો સહિતની મદદ પૂરી પાડનાર અમેરિકાએ હવે યુક્રેનના નાટોમાં સમાવેશની શક્યતાને નકારી કાઢી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઈચ્છે તો તેઓ આ યુદ્ધનો અંત લાવી શકે છે, પરંતુ શાંતિ કરાર અંતર્ગત યુક્રેનને નાટોમાં પ્રવેશ નહીં મળે. એટલું જ નહીં ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે, રશિયાએ 2014માં ગેરકાયદે રીતે પચાવી પાડેલો ક્રિમીયાનો પ્રદેશ પણ યુક્રેનને પરત નહીં મળે.