શાંઘાઇઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો દરેક ક્ષેત્રે પગપેસારો થઇ રહ્યો છે. ચીને એક એઆઈ રોબોટને ચાર વર્ષના ડોક્ટરેટ (પીએચડી) પ્રોગ્રામ માટે પ્રવેશ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે ચીનની શાંઘાઈ થિયેટર એકેડેમીએ તેના પીએચડી પ્રોગ્રામમાં જીયુબા-01 નામના રોબોટને પ્રવેશ આપ્યો છે. આ વિશ્વનો પહેલો રોબોટ છે જેને ડોક્ટર (પીએચડી) બનવાની તક મળી છે. આ રોબોટ ચાઇનીઝ ઓપેરા પર પીએચડી કરશે. આ રોબોટ 1.75 મીટર ઊંચો છે અને 30 કિલો વજન ધરાવે છે. તેની ત્વચા સિલિકોનથી બનેલી હોવાથી, તેના ચહેરાના હાવભાવ સ્પષ્ટ દેખાય છે. આ રોબોટ 14 સપ્ટેમ્બરથી કોલેજ જવાનું શરૂ કરશે.
આ પીએચડી પ્રોગ્રામ ચાર વર્ષનો હશે, જેમાં આ રોબોટ પરંપરાગત ચાઇનીઝ ઓપેરાનો અભ્યાસ કરશે. તેમાં સ્ટેજ પર્ફોર્મન્સ, સ્ક્રિપ્ટ રાઇટિંગ અને સેટ ડિઝાઈન તેમજ ગતિ નિયંત્રણ અને ભાષા નિર્માણ જેવા ટેકનિકલ વિષયોનો સમાવેશ થશે. રોબોટને પીએચડી કરવા માટે વર્ચ્યુઅલ સ્ટુડન્ટ આઈડી પણ અપાઇ છે. પ્રોફેસર યાંગ કિંગકિંગને ખાસ માર્ગદર્શક બનાવાયા છે.