હવે સ્વજનની સ્મૃતિને જડાવો દાગીનામાં...

Wednesday 01st September 2021 05:37 EDT
 
 

સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરિવારજનો તેની સ્મૃતિ સાથે જોડાયેલી ચીજવસ્તુને કોઇને કોઇ પ્રકારે સાચવવા પ્રયાસ કરતા હોય છે કેમ કે તેની સાથે લાગણી જોડાયેલી હોય છે. અગ્નિદાહ અપાતાં જ શરીર રાખ બની જતું હોવાથી લોકો ભૌતિક ચીજવસ્તુઓ સાચવીને સંતોષ માનતા હોય છે, પરંતુ હવે એવી ટેક્નિક વિકસાવવામાં આવી છે જે માનવશરીરની રાખમાંથી હીરો બનાવી દે છે. અને આ હીરાને તમે વીંટીમાં કે નેકલેસમાં જડાવીને સ્વજનની સ્મૃતિને જિંદગીભર પોતાની સાથે રાખી શકો છો. આમ તો કુદરતી રીતે હીરો બનતા લાખો વર્ષ નીકળી જાય છે, પરંતુ આ અનોખી ટેક્નોલોજી થકી અંતિમક્રિયા પછીની રાખ કે વાળ જેવા અવશેષમાંથી થોડા સમયમાં જ હીરો તૈયાર કરી શકાય છે. આ હીરાને રીંગમાં કે ઘરેણામાં જડી લેવામાં આવે ત્યારે મૃત સ્વજનની કાયમી યાદ જોડાઈ જાય છે. આ હીરો કુદરતી હીરાની જેમ જ ચમકતો હોય છે. સ્વજનની સ્મશાનમાંથી એકત્ર કરેલી ૧.૧ પાઉન્ડ જેટલી રાખમાંથી પ્રયોગશાળામાં હીરો તૈયાર કરાય છે. શરીરની રાખમાં કાર્બન હોય છે અને હીરો કાર્બનમાંથી બને છે. માણસના શરીરમાં ૧૮ ટકા કાર્બન હોય છે જ્યારે હીરો એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે. સ્વજનની આ રાખ કે વાળ જેવા અવશેષોનું રાસાયણિક વિશ્લેષણ કરવામાં આવે છે. ક્ષાર, ધૂળ જેવા બિન-કાર્બનિક તત્વોને દૂર કરીને કાળજીપૂર્વક કાર્બનને અલગ તારવવામાં આવે છે. આ કાર્બનયુક્તરાખને પ્રચંડ દબાણ અને તાપમાન સર્જતા ખાસ પ્રકારના મશીનમાં મૂકીને પૃથ્વીના પોપડામાં બનતા ડાયમંડ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. મશીનમાં ૨૦૦૦ ડિગ્રી જેટલું તાપમાન અને ૬૦૦૦૦ વાયુમંડળ જેટલું પ્રચંડ દબાણ ઊભું થાય છે. આ પ્રોસેસ સતત ૧૨૦થી ૧૩૦ દિવસ સુધી કરવામાં આવે છે ત્યારે સ્વજનની રાખમાંથી હીરો તૈયાર થાય છે. હીરો તૈયાર કરવા માટેના નમૂનામાં કમસે કમ ૯૯ ટકા કાર્બન હોવું જરૂરી છે. શરૂઆતમાં રફ હીરો મળે છે એ પછી નિષ્ણાત દ્વારા ફિનિશિંગ અને પોલિશિંગ કરીને ચમક અપાય છે.
આ હીરો પ્રાકૃતિક રીતે બનતા હીરાની સરખામણીમાં વધારે સફેદ અને ચળકતો હોય છે. ક્યારેક નીલા રંગનો હીરો પણ બને છે જે બોરોન નામના કેમિકલને આભારી છે. માણસના શરીરમાં તેનું પ્રમાણ અલગ અલગ હોય છે, જેથી નીલો રંગ જે તે વ્યક્તિના અવશેષના નમૂના પર આધારિત હોય છે. આ રીતે હીરો મેળવવામાં ૨૩થી ૨૫ હજાર ડોલરનો ખર્ચ થાય છે. ઓસ્ટિન ટેક્સાસમાં એડલે નામની એક વ્યક્તિએ તેની મૃત ફ્રેન્ડના શરીરની રાખને હીરામાં ફેરવી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ૨૦૧૪માં સૌપ્રથમ સ્વિત્ઝર્લેન્ડના વિલ્લી નામના માણસને આ વિચાર આવ્યો હતો. વિલ્લી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે સેમી કન્ડકટર ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા સિન્થેટિક હીરો તૈયાર કરવાનો પ્રયોગ વાંચ્યો હતો, જેમાં શાકભાજીમાં રહેલા કાર્બનમાંથી હીરો તૈયાર કરવાની વાત હતી. વિલ્લીને થયું કે આ રીતે તો માણસની મૃતદેહમાંથી પણ હીરો તૈયાર કરી શકાય છે. વિલ્લીએ આ વિચાર યાદ રાખ્યો અને પછીથી રાખને હીરામાં ફેરવતી દુનિયાની પ્રથમ લેબ તૈયાર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter