હાથના કર્યા હૈયે વાગ્યા... આલ્બર્ટામાં અલગતાવાદ માથુ ઊંચકી રહ્યો છે

કેનેડા કોર્નર

Wednesday 18th February 2026 11:03 EST
 
 

ટોરન્ટોઃ અમેરિકા સાથે તણાવભર્યા સંબંધ વચ્ચે કેનેડાના ભાગ્યનું ચક્ર પાછું ફર્યું છે. કેનેડાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી અધિકારોની આડમાં ભારતીય અલગતાવાદી તત્ત્વો એવા ખાલિસ્તાન સમર્થકોને આશ્રય આપવા જે દલીલોનો ઉપયોગ કર્યો હતો તે જ દલીલોનો ઉપયોગ હવે તેના પોતાના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાંત આલ્બર્ટામાં અલગતાવાદીઓ દ્વારા કરાઇ રહ્યો છે.
ભારતે ઘણીવાર કહી ચૂક્યું છે કે અલગતાવાદને ઈંધણ આપવું એ બેધારી તલવાર છે. અને કેનેડા સાથે તેવું જ બની રહ્યું છે. કેનેડાનો તેલ સમૃદ્ધ પ્રાંત આલ્બર્ટા દેશથી અલગ થવાની માગ કરી રહ્યો છે. આ ચળવળનું નેતૃત્વ આલ્બર્ટા પ્રોસ્પેરિટી પ્રોજેક્ટ (એપીપી) નામના જૂથ દ્વારા કરાઇ રહ્યું છે. ટ્રમ્પ સરકારે આગમાં ઘી ઉમેર્યું છે. એપીપીના નેતાઓએ અમેરિકી અધિકારીઓ સાથે છેલ્લા કેટલાક મહિનામાં ઓછામાં ઓછી ત્રણ બેઠકો યોજી ચૂક્યા છે.
વધુ એક મહત્ત્વપૂર્ણ બેઠક આગામી દિવસોમાં યોજાવાની છે. આમાં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પણ સામેલ થશે તેવું કહેવાય છે. આલ્બર્ટા પ્રોસ્પેરિટી પ્રોજેક્ટે સ્વતંત્રતાના પહેલા દિવસથી જ અર્થતંત્રને ટેકો આપવા માટે યુએસ પાસેથી 500 બિલિયન ડોલરની લોન સુવિધાની વિનંતી કરી છે. અલગતાવાદી જૂથ દલીલ કરે છે કે તેઓ કાર્ની સરકારની ઊર્જા નીતિઓ અને ભારે કરવેરાથી પરેશાન છે. આવા ખુલાસાથી કેનેડામાં ગુસ્સાનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરમાં અમેરિકાને ચેતવણી આપી છે કે યુએસ એડમિનીસ્ટ્રેશને કેનેડાના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter