લાહોરઃ મુંબઈના આતંકી હુમલાના સૂત્રધાર હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણીમાં ‘અલ્લાહુ અકબર તહેરીક’ નામના નવા પક્ષના નેજા હેઠળ ચૂંટણી લડશે. તેમના પક્ષ જમાત ઉલ દાવાએ આ નવા નામની જાહેરાત કરી છે. વાસ્તવમાં તેમના પક્ષ મિલ્લ મુસ્લિમ લીગ (એમએમએલ)ની નોંધણી થવી હજી બાકી છે. તેમના પક્ષના એક વરિષ્ઠ નેતાએ માહિતી આપી હતી.
જમાત-ઉલ-દાવાએ ૨૦૦૮માં મુંબઈ પર આતંકી હુમલા કર્યા બાદ આ સંગઠને અલગ અલગ ઘણા નામ ધારણ કર્યા હતા. જેમાં ચૂંટણી લડવા માટે તેમણે મિલ્લી મુસ્લિમ લીગ નામનો પક્ષ રચ્યો પણ પાક. ચૂંટણી પંચમાં તેમની નોંધણી થઈ શકી નથી. તે સંજોગોમાં ત્યાં નિષ્ક્રિય પડેલા એક પક્ષ ‘અલ્લાહુ અકબર તહેરીક’ના નેજા હેઠળ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ પક્ષ પાક. ચૂંટણી પંચમાં નોંધાયેલો છે.