હાફિઝને પાકિસ્તાનની શેહ વિશ્વ માટે ભયજનક બનશેઃ સુષમા સ્વરાજનો યુએનમાં ટંકાર

Wednesday 03rd October 2018 07:44 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું પણ નામ લીધા વિના પશ્ચિમી દેશોની બેવડી નીતિઓ પર પણ તેમણે આક્રમક પ્રહારો કર્યાં હતાં. પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્રસ્થિત રાજદૂત સાદ વારેચીએ પણ ભારત સામે ઝેર ઓકતા પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથ, સંઘની ટીકા કરી હતી. બીજી તરફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા ચીને ફરી આડોડાઈ કરી હતી.

પાકિસ્તાન આરોપો નકારવામાં માહેર

યુએનમાં સુષમા સ્વરાજે હિંદીમાં ભાષણ આપતાં શરૂઆતમાં જ કહ્યું કે ભારત પાડોશી દેશ પાકિસ્તાનના આતંકથી પીડિત છે. પાકિસ્તાન આતંકી ઘટનાઓને અંજામ આપવામાં જ નહીં પણ તેને નકારવામાં પણ માહેર છે. અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલો કરનારો આતંકી ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાંથી મળ્યો હતો. ૯/૧૧નો હુમલાખોર લાદેન માર્યો ગયો, પણ મુંબઈમાં ૨૬/૧૧નો હુમલાખોર હાફિઝ હજી આઝાદ છે અને તેને કોણ શેહ આપે છે તે જગજાહેર છે. પાકિસ્તાન ચહેરો દુનિયા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. બંને દેશની શાંતિવાતો પણ હંમેશા પાકિસ્તાનના કારણે અટકી જ છે.

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું

સુષમા સ્વરાજે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૧૧નો હુમલો સૌથી મોટી આતંકવાદી ઘટના મનાય છે. આ ઘટનાના માસ્ટર માઈન્ડ લાદેનને અમેરિકાએ પોતાનો સૌથી મોટો દુશ્મન માન્યો હતો. તેને શોધવા અમેરિકા આખી દુનિયામાં ગયું. જોકે, અમેરિકાને ખબર નહોતી કે, પોતાને અમેરિકાના મિત્ર ગણાવતા પાકિસ્તાને તેને આશરો આપ્યો હતો. અમેરિકાના ગુપ્તચર તંત્રની સફળતા છે કે તેમણે લાદેનને પાકિસ્તાનમાંથી શોધીને તેનો ખાતમો બોલાવ્યો. લાદેન મરાયો છતાં પાકિસ્તાનની હિંમત તો જુઓ કે સત્ય સામે આવ્યા પછી પણ પાકિસ્તાનને કંઈ અસર ન થઈ જાણે કે તેમણે કોઈ ગુનો જ કર્યો નથી. પાકિસ્તાનનો આ સિલસિલો હજુ પણ ચાલુ છે. હાફિઝ સામેની કાર્યવાહી અંગે સ્વરાજે કહ્યું કે, હાફિઝ પાકિસ્તાનમાં રેલીઓ યોજે છે. ચૂંટણીમાં ઉમેદવારો ઊભા કરે છે. ખુલ્લેઆમ ભારતને ધમકીઓ પણ આપે છે. જોકે એ વાત સારી છે કે પાકિસ્તાનનો અસલી ચહેરો વિશ્વની સામે છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પણ આતંકી સંગઠનોને સહાય આપતા દેશોની યાદીમાં પાકિસ્તાનને મૂક્યું છે. કાશ્મીરમાં બેફામ આતંક ફેલાવનારા આ દેશ સાથે વાતચીત શક્ય જ નથી.

યુએનને પણ ચેતવણી

યુએનને પણ સુષમાએ ચેતવણી આપી કે, આપણે ચેતીએ તો આતંક નામનો રાક્ષસ આખી દુનિયાને ગળી જશે. પાકિસ્તાન ભારત પર આરોપ મૂકે છે કે હિંદુસ્તાન શાંતિવાર્તા નથી કરતો અને માનવાધિકાર ભંગ કરે છે, પણ વાસ્તવિક્તા એ છે કે ભારતે વાટાઘાટો અને શાંતિના પ્રયત્નો કર્યાં, પણ પાકિસ્તાનની હરકતોથી શાંતિવાર્તા અટકી જાય છે.

વીસમી સદીમાં આશા વ્યક્ત કરાઈ હતી કે ૨૧મી સદી સુખ-શાંતિ અને સમૃદ્ધિની હશે, પરંતુ ૯/૧૧ અને ૨૬/૧૧ જેવી ઘટનાઓએ તેના પર પાણી ફેરવી દીધું છે. અમારું દુર્ભાગ્ય છે કે આતંકનો પડકાર પાડોશી દેશ થકી જ મળ્યો છે. સુષમાએ યુએનમાં જનધન સહિતની વિવિધ યોજનાઓની માહિતી આપીને એનડીએ સરકારની સિદ્ધિઓ વિશ્વ સમક્ષ મૂકી હતી. આ બેઠકમાં અમેરિકા, રશિયા, બ્રાઝિલ, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો.

સંઘ ફાસીવાદી, યોગી મોબ લિન્ચિંગના ઉત્તેજક

સંયુક્ત રાષ્ટ્રમાં સુષમા સ્વરાજે પાકિસ્તાનને રોકડું પરખાવ્યા પછી પાકિસ્તાનના સંયુક્ત રાષ્ટ્ર સ્થિત રાજદૂત સાદ વારેચીએ સંઘને ફાસીવાદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મોબ લિન્ચિંગને ઉત્તેજન આપનારા ગણાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, આરએસએસ ફાસીવાદમાં માનનારું સંગઠન છે. ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ખુલ્લેઆમ લઘુમતીઓના લિન્ચિંગ અને હત્યાને પ્રોત્સાહન આપી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધા વગર તેમના નિવેદનને ટાંકીને કહ્યું કે અચાનક અનેક બંગાળીઓ ભારતમાં ઘરવિહોણા થયા છે કેમ કે ભારતે તેમને નાગરિકતા આપવાની ના કહી છે. આસામમાં બંગાળીઓ ભારતના હોવા છતાં હવે તેઓને પોતાની નાગરિકતા પૂરવાર કરવા મજબૂર કરાઈ રહ્યા છે. ભારતમાં ચર્ચ અને મસ્જિદોને આગ ચંપાય છે. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૪માં પેશાવરમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હતો. જોકે આ આરોપોનો ભારતના સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્ય ઈનામ ગંભીરે જવાબ આપતાં જણાવ્યું હતું કે જ્યારે પેશાવરની સ્કૂલમાં હુમલો થયો ત્યારે કરોડો ભારતીયોએ આ દુઃખમાં પાક.ને સાથ આપ્યો હતો ભારતની સંસદે પણ શોક વ્યકત કર્યો હતો. પાક. બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતની શાળાઓમાં મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રકારના પાયાવિહોણા આરોપો થકી પાકિસ્તાને પોતે પાળેલા આતંકવાદ પર પડદો પાડવાના પ્રયાસો કરે છે.

સાર્ક સંમેલનમાં સુષમા દ્વારા પાકિસ્તાની પ્રધાનની અવગણના

કાશ્મીરના શોપિયામાં ત્રણ ભારતીય સ્પેશ્યલ પોલીસકર્મીની હત્યા અને ઠાર મરાયેલા હિઝબુલના આતંકી બુરહાન વાણીની પાકિસ્તાને ટપાલ ટિકિટો બહાર પાડ્યા પછી ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન સાથે સુષમા સ્વરાજની શાંતિબેઠક રદ જાહેર કર્યા બાદ ન્યૂ યોર્કમાં સાર્ક દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં સુષમા સ્વરાજ ગયા હતા. જોકે આ બેઠકમાં પાક.ના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીને પણ સ્થાન મળતાં સુષમા બેઠક છોડીને અધવચ્ચેથી જ નીકળી ગયા. સુષમાના આ પગલાંની પાકિસ્તાને ટીકા કરી હતી. જોકે માત્ર ભારત જ નહીં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન પણ પોતાનું ભાષણ પૂરું કરીને જતા રહ્યા હતા.

ભારત અને પાક. વચ્ચેની વાતચીતને હાલ રદ્દ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે સાર્ક દેશોનું સંમેલન યોજાયું હતું. જેની આગેવાની નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપકુમારે લીધી હતી. આ બેઠકમાં સુષમાએ પોતાની વાત કહી હતી, જે બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ભાષણ શરૂ થવાનું હતું. જોકે, સ્વરાજ પોતાની વાત મૂકીને વચ્ચેથી જ ઊભા થઈને જતા રહ્યા હતા. આ ઘટના બાદ પાક.ના વિદેશ પ્રધાન કે જેઓ આ મિટિંગમાં હાજર હતા તેમણે મીડિયા સાથે વાતચીત દરમ્યાન સુષમા સ્વરાજ પર ખોટા આરોપો લગાવ્યા હતા.

તેઓએ જણાવ્યું હતું કે આ બેઠકમાં સુષમા સ્વરાજની સાથે કોઈ વાતચીત નહોતી થઈ શકી કેમ કે તેઓ અધવચ્ચે જ ઊભા થઈને જતા રહ્યા હતા. પાકિસ્તાન શાંતિવાર્તા ઈચ્છે છે પણ ભારતે અમારા પ્રસ્તાવનો સતત અનાદર કરી રહ્યો છે. જો સાર્ક સંમેલનથી કોઈ બદલાવ આવી રહ્યો હોય તો પછી તેમાં વાતચીત આગળ વધારવી જોઈએ અને જે પણ કંઈ થયું તેને ભૂલીને આગળ વધવું જોઈએ. એક તરફ ભારત સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયાની વાતો કરે છે જ્યારે બીજી તરફ વાતચીત માટે તૈયાર નથી. જો બે દેશો વચ્ચે વાતચીત નહીંથાય તો વ્યાપાર પણ આગળ કેમ વધારવો?

ચીને ફરી આડોડાઈ કરી

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશે મહોમ્મદના આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા સંયુક્ત રાષ્ટ્રમાં તમામ પક્ષકારો વચ્ચે સર્વસંમતિ નથી તેવું વાહિયત બહાનું રજૂ કરીને ચીન વારંવાર મસૂદ અઝહરને બચાવી રહ્યો છે. ચીન દ્વારા આ મામલે યુએનમાં અવારનવાર વીટો વાપરવામાં આવ્યો છે. આમ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના ભારતના પ્રયાસો વચ્ચે ચીન આડોડાઈ કરે છે. ભારતને સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો ટેકો છે. અઝહર જૈશે મહોમ્મદનો સ્થાપક છે. તેના પર યુએન દ્વારા પ્રતિબંધ છે. તમામ પક્ષકારો આ મુદ્દે સર્વસંમતિ દર્શાવે તો અમે ટેકો આપવા તૈયાર ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ અમેરિકાની થિંકટેંક કાઉન્સિલ ઓફ ફોરેન રિલેશન્સના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જો તમામ પક્ષકારો આ મુદ્દે સર્વસંમતિ દર્શાવે તો અમે તેને ટેકો આપવા તૈયાર છીએ.

મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ સહકારનું વચન

અમેરિકામાં સુષમા સ્વરાજ એન્ટિગુઆ અને બર્બુડાના વિદેશ પ્રધાન ઇ પી ચેટ ગ્રીનને મળ્યા હતા. આ મુલાકાતમાં સુષમાએ પંજાબ નેશનલ બેંકના બે અબજ ડોલરના કૌભાંડી આરોપી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવતાં એન્ટિગુઆએ ભારતને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

પાકિસ્તાન કેબિનેટ પ્રધાનનો હાફિઝ સઈદ સાથે ફોટો!

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના વલણના કારણે ભારતે વિદેશ પ્રધાનસ્તરની મુલાકાત રદ કરી દીધી. પાકિસ્તાન સરકારે આતંકીના નામે ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને હવે ઈમરાન કેબિનેટના એક પ્રધાનનો ફોટો આતંકી હાફિઝ સઈદ સાથે સામે આવ્યો છે. રવિવારે ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાન નૂર-ઉલ-હક કાદરી ૨૬-૧૧ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદની બાજુમાં બેઠેલા દેખાય છે. કાદરી પાકિસ્તાન સરકારમાં ધાર્મિક બાબતોના પ્રધાન છે. આ કાર્યક્રમનું આયોજન દિફા-એ-પાકિસ્તાન કાઉન્સિલે કર્યું હતું. તેનો વિષય હતો ‘પાકિસ્તાનની રક્ષા’ આ કાઉન્સિલ પાકિસ્તાનના ૪૦ રાજકીય પક્ષોનું એક જૂથ છે. આ કાર્યક્રમમાં હાફિઝ સઈદે પણ ભાષણ આપ્યું. કાર્યક્રમમાં લાગેલા બેનર પરથી ખ્યાલ આવે છે કે આ કાર્યક્રમમાં કાશ્મીર પર પણ ચર્ચા થઈ. તેમાં કાશ્મીર મુદ્દાને પડકારરૂપ ગણાવાયો છે.

સુષમાએ આપેલા ભાષણના મહત્ત્વની બાબતો

• પાક.ની સત્તાવાર વિદેશ નીતિમાં આતંકવાદને સમર્થન છે, જે ભારત સહેજ પણ સહન નહીં કરે

• ભારતની કોઈપણ સરકાર વાટાઘાટોથી ઉકેલ લાવવાની તરફદાર, પરંતુ પાક. આતંક મુદ્દે તેની નીતિ બદલવા તૈયાર નથી.

• ભારતનું દુર્ભાગ્ય છે કે, પાડોશી દેશના કારણે ભારત આતંકને સહન કરી રહ્યું છે.

• અમેરિકાને એક સમયના તેના મિત્ર દેશ પાક.માંથી જ તેમનો સૌથી મોટો દુશ્મન લાદેન મળ્યો હતો.

• અમે ઈમરાન ખાનનો શાંતિવાર્તા પ્રસ્તાવ તુરંત જ સ્વીકાર્યો જ હતો, પરંતુ ગણતરીના કલાકોમાં જ પાક. આતંકીઓએ ભારતીય સેનાના જવાનની હત્યા કરી અને તેમના મૃતદેહ સાથે ચેડાં પણ કર્યાં.

• પાક. સામે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે લીધેલાં પગલાં સાબિત કરે છે કે, વિશ્વ સમક્ષ પાક. ખુલ્લું પડી ગયું છે.

• વર્ષ ૧૯૯૬માં ભારતે યુએનમાં કોમ્પ્રિહેન્સિવ કન્વેશન ઓન ઈન્ટરનેશનલ ટેરરિઝમનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો, જે આજેય ડ્રાફ્ટ જ છે. બીજી તરફ, આપણે આતંક સામે ભેગા થઈને લડવાની વાતો કરીએ છીએ.

• આતંકનો ખાત્મો કરવા યુએનએ સર્વસંમતિથી તેની વ્યાખ્યા કરવાનો સમય આવી ગયો છે.

ભારતે લાખોને ગરીબીમાંથી ઉગાર્યાઃ ટ્રમ્પ

યુનાઈટેડ નેશન્સની ૭૩મી સામાન્ય સભામાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ભારત મુક્ત સમાજનો દેશ છે અને તેણે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત અબજ ઉપરાંતની વસતિ ધરાવતો મુક્ત સમાજનો દેશ છે. તેણે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી મધ્યમ વર્ગીય બનાવવામાં સફળતા મેળવી છે. ટ્રમ્પે તેના ૩૫ મિનિટના પ્રવચનમાં જણાવ્યું હતું કે યુએનની સામાન્ય સભામાં ઈતિહાસ દોહરાયા છે. આપણી પહેલા પણ અનેક નેતાઓએ સમાજના પડકારો સામે અવાજ ઉઠાવ્યો હતો અને આજે પણ તેવા જ પ્રશ્નો છે. આપણા બાળકોને કેવો વારસો આપીશું અને તેઓ કેવો વારસો મેળવશે તે સવાલ છે. તેમણે સાઉદી અરેબિયા અને ઈઝરાયેલના હિંમતપૂર્વકના સુધારા બદલ વખાણ કર્યા હતા.

ન્યૂ ઝીલેન્ડના વડાં પ્રધાન ૩ માસની પુત્રી સાથે આવ્યાં

ન્યૂ ઝીલેન્ડનાં વડાં પ્રધાન જેસિંદા આર્ડન પુત્રીને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના કાર્યક્રમમાં પહોંચ્યાં હતાં. તેમનો આશય માતૃત્વ અને મહિલાઓની કારકિર્દી અંગે દુનિયાનું ધ્યાન ખેંચવાનો હતો. કાર્યક્રમમાં જેસિંદા સાથે તેમના પાર્ટનર ક્લસાર્ક ગેફોર્ડ પણ સાથે રહ્યા. જેસિંદાએ કહ્યું કે પુત્રી નીવને અમેરિકા લાવવાનો ખર્ચ તેમણે વ્યક્તિગતરૂપે ભોગવ્યો છે. વડાં પ્રધાનપદે હોય ત્યારે બાળકને જન્મ આપનારાં તે બીજા પ્રધાનમંત્રી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter