હાર્બિન આઇસ-સ્નો વર્લ્ડ

Saturday 14th January 2023 05:16 EST
 
 

કોરોના મહામારીના નવા રાઉન્ડના કારણે દુનિયાભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલું ચીન આજકાલ બીજા જ કારણસર ચર્ચામાં છે. અહીંના હાર્બિન શહેરમાં દુનિયાનો સૌથી મોટો આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલ શરૂ થયો છે. પાંચ જાન્યુઆરીથી શરૂ થયેલો આ આઇસ ફેસ્ટિવલ એપ્રિલ સુધી ચાલશે. તેના માટે 6 લાખ ચોરસ મીટર ક્ષેત્રમાં આઈસ એન્ડ સ્નો વર્લ્ડ બનાવાયું છે. તેમાં દુનિયાના અનેક દેશોમાંથી આવેલા કલાકારોએ બરફની 100થી વધુ કલાકૃતિઓ તૈયાર કરીને પ્રદર્શિત કરી છે. ફેસ્ટિવલ માટે બરફમાં થતી આઠ મુખ્ય પ્રવૃત્તિઓને સામેલ કરાઈ છે. આમ તો દેશના સહેલાણી અહીં ડિસેમ્બરના મધ્યથી આવવા લાગ્યા હતા. આ વખતે બરફની સૌથી મોટી કલાકૃતિ 980 ફૂટ લાંબી છે તો 820 ફૂટ ઊંચું ફેરી વ્હિલ પણ અહીં જોવા મળે છે.  પહેલી વખત સાકાર થયેલી આ કૃતિએ ઊંચાઈનો નવો વિક્રમ સર્જ્યો છે. કલાકૃતિઓમાં એલ્સા આઈસ પેલેસ, સન આઈલેન્ડ પણ સામેલ છે. આ ઉપરાંત એક ડિઝનીલેન્ડ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાર્બિનમાં હાલના સમયે  માઇનસ 10 ડિગ્રી તાપમાન છે. જોકે તાપમાન હજુ પણ ગગડી શકે છે. બરફની સંસ્કૃતિ અને તેનું નવું ભવિષ્ય થીમ પર સાકાર થયેલો આ હાર્બિન ફેસ્ટિવલ નિહાળવા ત્રણ કરોડ લોકો પહોંચશે તેવી ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter