લંડનઃ એડોલ્ફ હિટલરની પ્રશંસક અને આર્યન દંતકથાની ભક્ત સાવિત્રીદેવી ખરેખર તો ૨૫ વર્ષ અગાઉ મોત પછી ગુમનામીના જંગલમાં ખોવાઈ જવાં જોઈતાં હતાં પરંતુ, અતિશય જમણેરીવાદના ઉત્થાન પછી તેમનું નામ અને તસવીર વારંવાર ઓનલાઈન જોવાં મળે છે. અમેરિકન જમણેરીવાદીઓના કારણે તેમનાં મંતવ્યોને હવે વ્યાપક પ્રસિદ્ધિ મળી રહી છે.
સાડીધારી અને નામે ભારતીય લાગવાં છતાં સાવિત્રીદેવી યુરોપિયન હતી. અંગ્રેજ માતા અને ગ્રીક- ઈટાલિયન પિતાનું સંતાન મેક્સિમિઆની પોર્ટાસનો જન્મ ૧૯૦૫માં લ્યોન ખાતે થયો હતો. તેણે ભારતીય ભાષાઓ શીખી હતી અને બ્રાહ્મણ સાથે લગ્ન કર્યાં હતાં. તેણે નાઝીવાદ અને હિન્દુ દંતકથાઓનો સમન્વય કર્યો હતો. નાની વયથી જ તે સમતાવાદના તમામ સ્વરુપની વિરોધી હતી. તે આર્યોની સર્વોચ્ચતાની પ્રખર હિમાયતી હતી. તેનો યહુદીવાદનો તીવ્ર વિરોધ બાઈબલમાંથી જ જન્મ્યો હોવાની દલીલ સાથે તેણે પોતાની ઓળખ નેશનલ સોશ્યાલિસ્ટ તરીકે સ્થાપિત કરી હતી.
૧૯૩૦ના દાયકાના પૂર્વાર્ધમાં તે ભારત આવી હતી અને આંતરજાતીય લગ્નોનો વિરોધ કરતી ભારતીય વર્ણપ્રથાથી શુદ્ધ આર્યોની જાળવણી અહીં થઈ હોવાની તેની માન્યતા હતી. હિટલર જર્મનીનો ચેમ્પિયન હતો પરંતુ, યુરોપના યહુદીઓને નેસ્તનાબૂદ કરી ‘આર્ય જાતિ’ને સત્તાના સિંહાસને પુનઃસ્થાપિત કરવાની તેની ઈચ્છાના કારણે તે સાવિત્રીદેવીનો પણ ‘ફ્યુહરર’ બની રહ્યો હતો. હિટલર કલિયુગનો અંત લાવી આર્યોને સર્વોચ્ચ સ્થાન અપાવશે તેમ સાવિત્રીદેવી માનતી હતી. સાવિત્રીદેવીએ કોલકાતામાં હિન્દુ મિશન માટે કામ કર્યું હતું. મિશનના નિયામક સ્વામી સત્યાનંદે તેને હિન્દુ ઓળખ સાથે આર્ય મૂલ્યોનો સમન્વય સાધવાની છૂટ આપી હતી. તેના પુસ્તક ‘A Warning to the Hindus’માં તેણે હિન્દુઓને વ્યવસ્થિત પ્રતિકારની ભાવના કેળવવા સલાહ આપી હતી.
ઈંગ્લેન્ડમાં ૧૯૮૨માં મિત્રના નિવાસે તેનું મૃત્યુ થયું હતું અને સંપૂર્ણ ફાસીવાદી સન્માન સાથે અમેરિકન નાઝી નેતા જ્યોર્જ લિંકન રોકવેલની નજીક જ તેનાં અસ્થિને વિસર્જિત કરવામાં આવ્યાં હતાં.