૧૦૦૦થી પણ વધારે તસવીરો જોડીને તૈયાર થયેલો મંગળનો અદભુત નજારો

Sunday 22nd March 2020 06:22 EDT
 
 

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ નવેમ્બર ૨૦૧૧માં ‘ક્યુરિયોસિટી’ નામના રોવરને મંગળ પર મોકલ્યું હતું. જેણે ૨૦૧૨માં મંગળની સપાટી પર લેન્ડીંગ કર્યું અને ત્યારથી તે મંગળની તસવીરો તેમજ વિવિધ માહિતી પૃથ્વી સુધી પહોંચાડતું રહ્યું છે. આમાંથી મંગળની અત્યાર સુધીની સૌથી અદભુત કહેવાય તેવી તસવીર ‘નાસા’ની ક્યુરિયોસિટી ટીમે રિલીઝ કરી છે. જેમાં મંગળની સપાટીથી ૫.૫ કિલોમીટર ઊંચા માઉન્ટ સાર્પ નજીક આવેલો ગ્લોન ટોરિડોન નામનો વિસ્તાર દેખાય છે. આ તસવીર એક પેનોરેમા ઇમેજ છે. પેનોરેમા ઇમેજ એટલે કે જેમાં વિશાળ ક્ષેત્ર દેખાતું હોય છે. આ ફોટોને ૩૬૦ ડિગ્રી ફોટો પણ કહેવામાં આવે છે. આ ઇમેજમાં ૧૮૦ કરોડ પિકસલ છે. પિક્સલ એટલે કે કોઈ પણ ફોટોનો સૌથી નાનો એકમ, જેવી રીતે અંતરને આપણે સેન્ટિમીટર કે મીટરમાં માપીએ તેમ ફોટોના રિઝોલ્યુશનને પિક્સલમાં મપાય છે. જેમ કે, એચડી ક્વોલિટીના એક ફોટોમાં પાંચ લાખની આસપાસ પિક્સલ હોય છે. આ સિવાય આ ફોટોની ખાસ બાબત એ છે કે આ તસવીરને ક્યુરિયોસિટી ટીમે ૧૦૦૦ કરતા પણ વધારે ફોટો ભેગા કરીને તૈયાર કરી છે. ક્યુરોયોસિટી રોવરે ૨૪ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચે દરરોજ આ વિસ્તારની જે તસવીરો લીધી હતી. તેને ભેગી કરીને આ એક ફોટો તૈયાર કરાયો છે. સૌથી પહેલા તો ટીમે આ માટે પ્લાન બનાવ્યો, જે પ્રમાણે દરરોજ બપોરથી ૨ વાગ્યા સુધી રોવર તસવીર લેતું હતું. જેના કારણે બધી તસવીરોમાં એક સરખી બ્રાઇટનેસ આવે. લાલ ગ્રહ મંગળની આ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ તસવીરોમાંની એક છે.

અને હા, તમે અદભૂત નજારાની વીડિયો ક્લિપ પણ નિહાળી શકો છો. આ માટે તમારા વેબબ્રાઉઝરમાં લિન્ક ટાઇપ કરોઃ https://youtu.be/X2UaFuJsqxk બાય ધ વે, આ વીડિયો ક્લિપ નિહાળશો તો તમને અશ્વિન વસાવડા નામના ગુજરાતીના અવાજમાં નેરેશન સાંભળવા મળશે. ક્લિપમાં દર્શાવાયું છે તેમ અશ્વિનભાઇ માર્સ સાયન્સ લેબોરેટરીમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter