કાઠમંડુઃ નેપાળના પર્વતારોહક કામી રીતા શેરપાએ એવરેસ્ટ સર કરીને ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. રવિવારે તેમણે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટનું 32મી વખત સફળતાપૂર્વક આરોહણ કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. 56 વર્ષીય કામી રીતા દુનિયાભરમાં ‘એવરેસ્ટ મેન’ તરીકે ઓળખવામાં આવે છે.
કામી રીતા શેરપાએ વર્ષ 1994માં પહેલીવાર એવરેસ્ટ સર કર્યો હતો. તેઓ આ સિદ્ધિને કોઈ રેકોર્ડ તરીકે નહીં, પણ પોતાના વ્યવસાયના ભાગરૂપે જુએ છે, જેમાં તેઓ દર વર્ષે વિદેશી ક્લાયન્ટ્સને ગાઈડ કરે છે. બીજી તરફ, ‘માઉન્ટેન ક્વીન’ તરીકે જાણીતાં 52 વર્ષીય લ્હાકપા શેરપાએ પણ મહિલાઓનો રેકોર્ડ તોડીને 11મી વખત એવરેસ્ટ પર વિજય મેળવ્યો છે. તેઓ વર્ષ 2000માં આ શિખર સર કરનાર પ્રથમ નેપાળી મહિલા બન્યા હતા. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે બંને પર્વતારોહકોની પ્રશંસા કરી હતી.
પર્વતારોહણ સામે પડકારો
1953માં એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે શેરપા દ્વારા એવરેસ્ટ પર પ્રથમ સફળ ચઢાણ બાદથી પર્વતારોહણ નેપાળ માટે એક મોટો વ્યવસાય બની ગયું છે. આ સિઝનમાં નેપાળ સરકારે રેકોર્ડબ્રેક 492 એવરેસ્ટ પરમિટ જાહેર કરી છે. બેઝ કેમ્પમાં પર્વતારોહકો અને સહાયક સ્ટાફ માટે ટેન્ટોનું આખું શહેર વસી ગયું છે. આગામી થોડા દિવસોમાં અંદાજે 1000 પર્વતારોહકો શિખર તરફ પ્રસ્થાન કરવાના છે. નેપાળના પ્રવાસન વિભાગના પ્રવક્તા હિમાલ ગૌતમે જણાવ્યું હતું કે, આ રેકોર્ડ્સથી અન્ય પર્વતારોહકોમાં ઉત્સાહ વધશે. શેરપા સમુદાયની સખત મહેનત અને કુશળતા વિના આટલી મોટી સંખ્યામાં વિદેશી પર્વતારોહકો માટે એવરેસ્ટ સર કરવો અશક્ય હતો. મોટાભાગના પર્વતારોહકો ઓછામાં ઓછા એક નેપાળી ગાઈડની મદદથી ચઢાણ કરે છે. આટલી મોટી સંખ્યામાં ચઢાણ કરવાને કારણે ભીડભાડની સમસ્યા ફરીથી સામે આવી રહી છે. જો હવામાન ખરાબ થાય તો ચઢાણ માટેનો સમય ટૂંકો થઈ જશે, જેનાથી જોખમો વધી શકે છે. આ બધું હોવા છતાં, કામી રીતા અને લ્હાકપા શેરપા જેવા અનુભવી શેરપાની સિદ્ધિઓ માત્ર નેપાળનું ગૌરવ જ નથી વધારી રહી, પરંતુ સમગ્ર વિશ્વને એ સંદેશ પણ આપી રહી છે કે સાહસ, સખત મહેનત અને સમર્પણથી અશક્ય લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.


