‘ચીલી લવર’નો તીખો તમતમતો વિક્રમ!

Saturday 20th August 2022 07:14 EDT
 
 

ન્યૂ યોર્કઃ કંઇક નવીન કરી દેખાડવાની, ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની ઘેલછા માણસને કઇ હદે લઇ જતી હોય છે તેનું ઉદાહરણ જોવા માટે તમારે ગ્રેગરી ફોસ્ટરને મળવું જોઇએ. આ ગ્રેગરીભાઇએ એક મિનિટમાં સૌથી વધારે અને સૌથી તીખા તમતમતાં મરચા ખાવાનો વર્લ્‍ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. ગિનેસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડ અનુસાર અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા ‘ચીલી લવર’ ગ્રેગરી ફોસ્‍ટરે 60 સેકન્‍ડમાં ઘોસ્ટ પેપર જાતના 17 મરચા ખાઈને જૂનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે. આમ તો તેણે આ સિદ્ધિ નવેમ્‍બર 2021માં નોંધાવી હતી, પણ તેને સત્તાવાર માન્‍યતા વીતેલા સપ્તાહે મળી છે.
ઘોસ્‍ટ પેપરનો દુનિયાના સૌથી તીખા મરચામાં તેનો સમાવેશ થાય છે. આ એક મરચું એક મિલિયન સ્‍કોવિલ હીટ યુનિટ્‍સનું હોય છે. મરચા અને અન્‍ય તીખી વસ્‍તુઓની તીખાશ માપવા માટે સ્‍કોવિલ હીટ યુનિટનો ઉપયોગ થાય છે. તેનો અર્થ થાય છે કે, ફોસ્‍ટરે ફક્‍ત એક મિનિટમાં 17 મિલિયન સ્‍કોવિલ હીટ યૂનિટ ખાઈ ગયો. ગ્રેગરીનું કહેવું છે કે, તેને તીખું ખાવાનું પસંદ છે, અને તે પોતાના ઘરે પણ તીખા મરચા ઉગાડે છે.
ફોસ્‍ટરનું કહેવું છે કે તેણે તીખાશ પ્રત્‍યે પોતાની સહનશીલતાના સ્‍તરને વધારવા માટે ખૂબ સમય આપ્‍યો છે અને આ જ કારણ છે કે, તે સૌથી વધારે તીખા મરચા ખાવા માટે સક્ષમ બન્‍યો. તેનું કહેવું છે કે, વિક્રમ સર્જવાનો પ્રયાસ મારા ખુદના માટે જ ચેલેન્‍જ હતી. મેં મારી જાતને જ પડકાર ફેંક્યો હતો. હું એ જોવા માગતો હતો કે, તીખા મરચા ખાવા માટેના પ્રેમને કેટલી હદ સુધી લઈ જઈ શકું છું. એક ચિલી લવર તરીકે હું સુપર હોટ મિર્ચી વિશે જાગૃતિ અને લોકોનો ઉત્‍સાહ વધારવાની કોશિશ કરી રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter