‘નાસા’ના મિશનમાં ગુજરાતી ગર્લઃ ડો. શાવના પંડ્યા અંતરીક્ષના પ્રવાસે

Friday 10th February 2017 04:25 EST
 
 

મુંબઈઃ કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની ત્રીજી મહિલા ડોક્ટર શાવના પંડ્યા અવકાશમાં જવા ઉડ્ડયન કરશે. મૂળ ગુજરાતના વતની પરંતુ હવે મુંબઇમાં સ્થાયી થયેલા પંડયા પરિવારની ૩૨ વર્ષની દીકરી શાવના ન્યૂરોસર્જન છે અને હાલના સમયમાં તે કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટી હોસ્પિટલમાં જનરલ ફિઝિશ્યન તરીકે ફરજ બજાવે છે. તો સાથે સાથે જ તેઓ સ્પેસ મિશન માટે એસ્ટ્રોનોટ તરીકે પણ તૈયારી કરી રહ્યા છે.

‘નાસા’એ હાથ ધરેલા સિટિઝન સાયન્સ એસ્ટ્રોનોટ (CSA) પ્રોગ્રામ અંતર્ગત સ્પેસમાં જવા માટે ૩૨૦૦ લોકોએ અરજી કરી હતી. અનેકવિધ પરીક્ષણો બાદ માત્ર બે વ્યક્તિની સ્પેસ મિશન માટે પસંદગી થઇ છે, જેમાંથી એક શાવના છે. આ મિશન અંતર્ગત કુલ આઠ લોકો અંતરીક્ષ પ્રવાસે જવાના છે.

બહુમુખી પ્રતિભા

શાવના મેડિકલ ડોક્ટર હોવા ઉપરાંત ઓપેરા સિંગર, લેખક અને ટેકવાન્ડો ચેમ્પિયન પણ છે. આ સાથે જ તેમણે શારીરિક-માનસિક સજ્જતાની કપરી કસોટી કરી લેતી નેવી સીલની તાલીમ પણ લીધી છે. તેણે કહ્યું હતું, બાળપણથી મને સુપરહીરો અને એસ્ટ્રોનોટ બનવાની ઇચ્છા હતી, પણ મને મેડિસિન સાથે વિશેષ લગાવ છે.

બાળપણનું સપનું

હવે મુંબઇમાં સ્થાયી થયેલા પંડ્યા પરિવારનું મૂળ વતન ગુજરાતનું ઉના-દેલવાડા ગામ છે. છારિયા બ્રાહ્મણ કુટુંબની શાવના બાળપણમાં નાની મહાલક્ષ્મીબેન ભટ્ટ અને મામા કિશોર ભટ્ટના ખોળામાં રમતા રમતા જ મારે ડોક્ટર બનીને ચાંદ પર જવું છે એમ કહીને પોતાની ઇચ્છા દર્શાવતી. તેની આ ઇચ્છા હવે શબ્દશઃ સાકાર થઇ રહી છે. હાલ શાવના તેના ૯૫ વર્ષના બીમાર નાનીમા મહાલક્ષ્મીબેન ભટ્ટની તબિયતના ખબરઅંતર પૂછવા મામાના ઘરે મુંબઈ આવ્યા છે. એક અખબાર સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ‘મને પણ થોડું ગુજરાતી બોલતાં આવડે છે.’

ડો. શાવના પંડ્યાના પિતા સતીષભાઈ ફિઝિયોથેરાપિસ્ટ છે અને મુંબઇથી કેનેડા ગયા બાદ પત્ની ઇન્દિરા પંડ્યાને પણ બોલાવી લીધા હતા. શાવના અને તેમના ભાઈ નીલનો જન્મ કેનેડામાં થયો છે અને બન્ને ભાઈ-બહેન ડોક્ટર છે. ડો. શાવના પંડ્યા ન્યૂરોસર્જન છે તેમજ કેનેડાની અલ્બર્ટા યુનિવર્સિટીમાં જનરલ ફિઝિશિયન તરીકે કામગીરી બજાવે છે. તેઓ બે સ્પેસ મિશન માટે તૈયારી કરી રહ્યાં છે. તેઓ જ્યારે અવકાશમાં જશે ત્યારે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ અવકાશમાં ઉડ્ડયન કરનારા ભારતીય મૂળની ત્રીજાં મહિલા બનશે.

શાવનાએ જણાવ્યું હતું કે, હું ટીનેજર હતી ત્યારથી જ અવકાશયાત્રી બનવાની મને ઇચ્છા હતી. તેમણે કહ્યું હતું કે તમારા લગાવ, લાગણીઓ અને પ્રતિબદ્ધતાઓનો ને પ્રાયોરિટી પ્રમાણે વિચાર કરીને ગોઠવો તો તમે અદભૂત રીતે ઘણું બધું હાંસલ કરી શકો.

સ્પેસમાં શાવનાનું મિશન શું છે?

ડો. શાવના કહે છે કે સ્પેસમાં અમે બાયો-મેડિસિન અને મેડિકલ સાયન્સના પ્રયોગ કરીશું. આ ઉપરાંત તેઓ પોલાર સબ-ઓર્બિટલ સાયન્સ ઇન અપર મેસોસ્ફિઅર (POSSUM) તરીકે ઓળખાતા પ્રોજેક્ટનો પણ હિસ્સો છે. જે આબોહવામાં પરિવર્તનની અસરનો અભ્યાસ કરશે.

હાલમાં મુંબઈમાં વાર્તાલાપો યોજે છે

તેઓ મુંબઈમાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓની સાથે પ્રેરણાદાયી વાર્તાલાપો યોજી રહ્યાં છે. તેમની સાથે વિચારોનું આદાનપ્રદાન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘મંગળવારે (૭ ફેબ્રુઆરીએ) હું લીલાવતીબાઈ પોદાર હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને મળી હતી. તેમણે શૂન્ય-ગુરુત્વાકર્ષણ (ઝીરો ગ્રેવિટી)ના અનુભવોથી લઈને બાહ્ય અવકાશ સુધીના વિષયો પર ખૂબ બુદ્ધિશાળી પ્રશ્નો પૂછ્યા હતા.’

‘ભારતીય યુવા પેઢીમાં ભરપૂર ક્ષમતા’

ડો. શાવનાએ કહ્યું હતું કે આપણા દેશની યુવા પેઢીમાં ભરપૂર ક્ષમતા અને સજ્જતા છે. વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ્સ, અંડરગ્રેજ્યુએટ્સ સાથે વાત કરું છું ત્યારે મને એવી પ્રતીતિ થાય છે કે આગળ આવવા તેઓ આતુર છે, પરંતુ કયા રસ્તે આગળ વધવું તેની તેઓને દર વખતે જાણ નથી હોતી. વિજ્ઞાનમાં રોજબરોજની ઘટનાઓથી આપણે પરિચિત રહેવાની જરૂર છે.

શાવનાના મામા ‘કફનવાળા’ તરીકે જાણીતા

ડો. શાવનાના મામા કિશોરભાઇ ભટ્ટની જેકબ સર્કલ પાસે પ્રીતિ આર્ટ નામની દુકાન છે. અત્યાર સુધીમાં તેમણે સેંકડો નધણિયાતા મૃતદેહોને તેમની અવ્વલ મંઝિલે પહોંચાડ્યા છે. જેનું કોઈ ન હોય અને લાવારીસ તરીકે મૃત્યુ થયું હોય એવા મૃતદેહોને તેઓ ધર્મ કે નાતજાતનો વાડો રાખ્યા વગર વિધિપૂર્વક અવ્વલ મંઝિલે પહોંચાડે છે. આ માનવતાવાદી કાર્યને કારણે તેઓ ‘કફનવાળા’ તરીકે જાણીતા બન્યા છે. પોતે બ્રાહ્મણ હોવા પહેલાં માનવ હોવાનું ગર્વ અનુભવે છે, એમ તેમણે એક તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter