વોશિંગ્ટનઃ અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)નું પાર્કર સોલાર પ્રોબ (અવકાશયાન) સૂર્યથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે. સાથોસાથ સૂર્ય તરફના પ્રવાસ દરમિયાન સૌથી તેજ ગતિએ પ્રવાસ કરવાનો અનોખો રેકોર્ડ પણ કર્યો છે.
‘નાસા’નાં સૂત્રોના કહેવા મુજબ પાર્કર સોલાર પ્રોબ હાલ સૂર્યથી ફક્ત 72.6 લાખ કિમીના અંતરે રહીને પ્રવાસ કરી રહ્યું છે. અંતરીક્ષ સંશોધનના ઇતિહાસમાં વિશ્વના કોઇ જ દેશનું અવકાશયાન હજી સુધી સૂર્યની સપાટીથી આટલા નજીકના અંતરે પહોંચી શક્યું નથી.
આટલું જ નહીં, પાર્કર સોલાર અવકાશયાને તેના સૂર્ય તરફના પ્રવાસ દરમિયાન એટલે કે સૂર્ય ફરતેની 17મી પ્રદક્ષિણા દરમિયાન પ્રતિ કલાક 3,94,736 કિમીની અતિ પ્રચંડ ગતિનો પણ રેકોર્ડ સર્જ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના કોઇ દેશના અવકાશયાને કે સેટેલાઇટે અંતરીક્ષમાં આટલી તેજ ગતિએ પ્રવાસ નથી કર્યો. અગાઉ 2021માં આ જ અવકાશયાને સૂર્યની પ્રદક્ષિણા દરમિયાન 5,86,863.4 લાખ કિમીની પ્રચંડ ગતિએ પ્રવાસ કર્યો હતો.
આમ પાર્કર સોલાર પ્રોબે પહેલી જ વખત ઉર્જાના અને પ્રકાશના ભંડારસમા આદિત્યનારાયણની સપાટીથી સૌથી નજીકના અંતરે જવાનો અને સૌથી તેજ ગતિએ પ્રવાસ કરવાનો એમ બે રેકોર્ડ કર્યા છે. કોઇ જીવંત વિજ્ઞાનીના ઉજળા સંશોધનના સન્માનરૂપે અવકાશયાન સાથે તેમનું નામ જોડાયું હોય તેવું પાર્કર સોલાર પ્રોબ વિશ્વનું પહેલું અવકાશયાન છે.
અમેરિકાના હ્યુજીન. એન. પાર્કર નામના મહાન ખગોળ-ભૌતિકશાસ્ત્રી (શિકાગો યુનિવર્સિટી)એ 1950માં સૌર પવનો (સોલાર વિન્ડ્ઝ) વિશે પહેલી જ વખત અદભૂત સંશોધન કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. પાર્કર સોલાર પ્રોબ 2018ની 12 ઓગસ્ટે સૂર્યના કોરોનાના (સૂર્યની બાહ્ય કિનારીને કોરોના કહેવાય છે) સંશોધનાત્મક અભ્યાસ માટે રવાના થયું છે. સૂર્યની સપાટીનું તાપમાન 6,000 ડિગ્રી કેલ્વિન છે, જ્યારે તેની બાહ્ય કિનારી -કોરોના-નું તાપમાન 10થી 20 લાખ ડિગ્રી કેલ્વીન જેટલું અતિ અતિ ઉકળતું હોય છે.વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ આ રહસ્ય શોધવા સતત પ્રયાસ કરી રહ્યા છે. ‘નાસા’એ આ જ રહસ્યનો તાગ મેળવવા પાર્કર સોલાર અવકાશયાન સૂર્ય ભણી રવાના કર્યું છે જે 2025માં સૂર્યના કોરોનાની પ્રચંડ ઉકળતી ભઠ્ઠી જેવા વાતાવરણમાં પ્રવેશ કરશે.