નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. દેશ રાજકીય અને આર્થિક મામલે તો ખાડે ગયો જ છે, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની કૂટનીતિ કોઇ કામની રહી નથી રહી. આ વખતના ‘બ્રિક્સ’ (BRICS) શીખર સંમેલનમાં છ નવા દેશોને સામેલ કરાયા છે પણ એમાં પાકિસ્તાનનું નામ નથી. પાકિસ્તાનને બાકાત રાખીને ઈરાન, યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ), સાઉદી અરબ, ઇથિયોપિયા, આર્જેન્ટિના અને ઇજિપ્તને ‘બ્રિક્સ’માં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ‘બ્રિક્સ’ હવે ‘બ્રિક્સ’ પ્લસ બન્યું છે.
પાકિસ્તાને ‘બ્રિક્સ’માં સામેલ થવા માટે ઘણાં હવાતિયાં માર્યા હતાં, પોતાના મિત્રદેશ ચીન સમક્ષ આજીજી કરી પણ. આ બધું કશું કામમાં ના આવ્યું. આટલું થયા છતાં પાકિસ્તાન શરમાવાના બદલે કંઈક જુદી જ સફાઈ આપી રહ્યું છે. તેનું કહેવું છે કે, તેણે ‘બ્રિક્સ’નું સભ્યપદ નહોતું માગ્યું.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલૂચે કહ્યું કે પાકિસ્તાને ‘બ્રિક્સ’ દેશોમાં સામેલ થવા માટે વિનંતી નહોતી કરી. બલૂચે કહ્યું કે તેનો દેશ તાજેતરના ઘટનાક્રમોની તપાસ કરશે અને ‘બ્રિક્સ’ સાથે પોતાના ભવિષ્યના જોડાણ અંગે નિર્ણય કરશે. તેણે કહ્યું કે અમે જોહાનિસબર્ગમાં ‘બ્રિક્સ’ સાથે સંકળાયેલા ઘટનાક્રમ પર નજર રાખી છે. અમે સમાવેશી બહુપક્ષવાદ માટે તેનું મન ખુલ્લું હોવાનું પણ સ્વીકાર્યું છે. બલૂચે કહ્યું કે પાકિસ્તાને પહેલાં પણ ઘણી વાર કહ્યું છે કે તે સમાવેશી બહુપક્ષવાદનો પ્રબળ સમર્થક છે.