‘ભારતમિત્ર’ આબેની ગોળી મારી હત્યાઃ ચીનનો હાથ?

Wednesday 13th July 2022 07:01 EDT
 
 

નારા-ટોક્ટોઃ જાપાનનાં પૂર્વ વડા પ્રધાન શિન્જો આબેની હત્યારાએ દ્વારા આઠમી જુલાઇએ ગયા શુક્રવારે ગોળી મારીને ઘૃણાસ્પદ હત્યા કરવામાં આવી હતી. 67 વર્ષના નેતા નારા શહેરમાં ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા તે જ વખતે તેત્સુયા નામના 42 વર્ષના હુમલાખોર દ્વારા પાછળથી ફાયરિંગ કરાયું હતું.
આબે ચાલુ ભાષણમાં જ જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેમને છાતીમાં બે ગોળીઓ લાગતા શરીરમાંથી લોહીની ધારા શરૂ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 6 કલાકની સઘન સારવાર છતાં તેમને બચાવી શકાયા ન હતા. એક ગોળીએ તેમના હૃદયને ભારે નુકસાન કર્યું હતું. ગોળી વાગ્યા પછી આબેને હાર્ટએટેક આવ્યો હોવાનું ડોક્ટરોનું માનવું છે. જાપાનના રવિવારે યોજાનારી ઉપલા ગૃહની ચૂંટણી પ્રચાર સભાને તેઓ સંબોધી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે જ હત્યારાને પકડી લીધો હતો. આ પછી ઘટનાની તપાસ અને પૂછપરછ શરૂ કરાઈ હતી. આબેની પત્ની હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા. તેઓ નિઃસંતાન હતા. આબેએ એક સ્ટીલ કંપનીમાં નોકરી શરૂ કરીને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમના નાના પણ જાપાનના વડા પ્રધાન રહી ચૂક્યા છે.
ચીનની નીતિના કટ્ટર વિરોધી
જાપાનમાં સૌથી શક્તિશાળી રાજકીય નેતા મનાતા આબેની જાહેરમાં ગોળી મારીને થયેલી હત્યાએ અનેક સવાલોને જન્મ આપ્યો છે. વૈશ્વિક સ્તરે સંરક્ષણ નિષ્ણાતોએ તેમની હત્યા પાછળ વિદેશી કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. કેટલાક નિષ્ણાતોનો આરોપ છે કે શિંજો આબેની હત્યાનું કાવતરું ચીને રચ્યું હોવાની શક્યતા છે. જોકે, તેની પુષ્ટી થઈ શકી નથી અથવા આવું કોઈ સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું નથી. જોકે, સંરક્ષણ નિષ્ણાતો કેટલાક સવાલ કરી રહ્યા છે.
જેમ કે, સૌથી પહેલો સવાલ એ છે કે આબે જાપાનમાં સૌથી શક્તિશાળી નેતા હોવા છતાં હુમલાખોર હથિયાર સાથે તેમની એકદમ નજીક કેવી રીતે પહોંચી ગયો? તેને કોઈ સ્થાનિક અધિકારીએ મદદ કરી હતી? શિંજો આબે ભલે પૂર્વ વડા પ્રધાન હતા. પરંતુ તેઓ જાપાનના સૌથી મોટા પક્ષના અધ્યક્ષ હતા. આમ તેઓ જ્યાં પણ જાય ત્યાં મોટો કાફલો સાથે જતો હશે, જેમાં એમ્બ્યુલન્સ પણ હશે. આમ છતાં ગોળી વાગ્યા પછી આબેને હોસ્પિટલ લઈ જવા 15 મિનિટ એમ્બ્યુલન્સની રાહ જોવી પડી હતી. એમ્બ્યુલન્સ આવવામાં આટલો વિલંબ શા માટે થયો? આબેના મોતના સમાચાર જાપાની મીડિયા કરતાં પહેલા ચીની મીડિયામાં પ્રસારિત થયા. ત્યાં સુધી કે જાપાનના કેટલાક મીડિયાએ ચીની સરકારી મીડિયાને ટાંકી આબે પર હુમલાના સમાચાર પ્રસારિત કર્યા. ઉપરાંત આબેના મોતથી ચીનમાં ઊજવણી શા માટે? શિંજો આબે પર હુમલા પછી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કથિત નિષ્ણાતોને ટાંકીને દાવો કર્યો કે આ હુમલાથી નિશ્ચિતરૂપે જાપાનના દક્ષિણપંથી ઉશ્કેરાશે. સાથે તેઓ વધુ સક્રિય થઈને યુદ્ધ કરી શકે છે. જાપાનમાં આર્થિક સંકટ અને સામાજિક મતભેદ પેદા થઈ શકે છે.
આબેના પક્ષની મોટી જીત
આબેની હત્યાના બે દિવસ પછી યોજાયેલી સંસદીય ચૂંટણીમાં સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)-કોમૈતો ગઠબંધને ભારે જીત હાંસલ કરી છે. આબેના પક્ષ એલડીપી અને સાથી પક્ષ કોમૈતોએ 248 સભ્યોના ઉપલા ગૃહમાં 146 બેઠક હાંસલ કરી છે, જે બહુમતીના આંકડાથી ઘણી વધારે છે. જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે વડા પ્રધાન ફુમિઓ કિશિદા 2025 સુધી વડા પ્રધાન રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter