‘મિલ્ક સ્કેમ’ઃ કેનેડામાં મેસેજથી લોકોનો ડેટા તફડાવવાનો કારસો

કેનેડા કોર્નર

Friday 17th April 2026 07:23 EDT
 
 

ટોરોન્ટો: કેનેડામાં છેલ્લા કેટલાક દિવસથી લોકોની માહિતી તફડાવવાનું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું છે. લિંકના માધ્યમથી લોકોની ક્રેડિટ કાર્ડ, બેંકની વિગતો મેળવવામાં આવી રહી છે. કૌભાંડની નોંધ લેતાં કેનેડા સરકારે લોકોને ચેતવણી આપી છે કે મેસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક કરીને માહિતી ભરશો નહીં.
કેનેડામાં લોકોને મેસેજથી એક લિંક મોકલવામાં આવે છે. મેસેજમાં જણાવાયું હોય છે કે મિલ્ક પ્રોડકટના સામૂહિક કેસનું સેટલમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એના માટે તમારી વિગતોની જરૂર છે. ખાસ તો બેકિંગ વિગતો ભરો તો તમારા સુધી સેટલમેન્ટની રકમ પહોંચાડી શકાય. લિંકમાં ક્લિક કર્યા પછી ક્રેડિટ કાર્ડ, નામ, એડ્રેસ સહિત બેંકની વિગતો પણ ભરવાનું કહેવામાં આવે છે.
કેનેડા સરકારે લોકોને ચેતવણી આપી હતી કે આ ‘મિલ્ક સ્કેમ’માં ફસાતા નહીં. મિલ્ક પ્રોડક્ટનો આવો કોઈ સામૂહિક કેસ ચાલતો નથી. મિલ્ક પ્રોડક્ટ બધા લોકો ખરીદતા હોવાથી તેમને એવું બતાવવાની કોશિશ થાય છે કે મિલ્ક પ્રોડક્ટની ગુણવત્તાનો એક સામૂહિક કેસ ચાલતો હતો અને એમાં હવે સેટલમેન્ટ કરાઇ રહ્યું છે. મેસેજમાં એ પ્રકારની જાળ બિછાવાય છે કે જેથી લોકો વળતર મેળવવા માટે વિગતો ભરવા પ્રેરાય. જે વ્યક્તિને મેસેજ મળે તેને એવું લાગે છે કે હજારો ગ્રાહકોમાંથી ગ્રાહક તરીકે તે મિલ્ક સેટલમેન્ટ મેળવવાપાત્ર છે. ખરેખર તો આ દાવો જૂઠો છે.
ઓન્ટારિયોમાં રહેતા ડોન સ્ટોનમેને આવા મેસેજ તરફ મીડિયાનું ધ્યાન દોર્યું પછીથી આ સ્કેમનો પર્દાફાશ થયો હતો. જે નંબર એમાં આપવામાં આવ્યો હતો એમાં કોલ કરવાથી વોઈસ મેસેજ સંભળાતો હતો. એ પછી શંકાના આધારે તપાસ કરતાં આ કૌભાંડ હોવાનું જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter