વોશિંગ્ટનઃ અમેરિકામાં ટેરિફને લઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઘેરાવ કરાયો છે. અમેરિકાના તમામ 50 રાજ્યના 1200 શહેરમાં શનિવારે ટ્રમ્પ વિરૂદ્ધ લાખો લોકોએ ‘હેન્ડ્સ ઓફ’ દેખાવો કર્યા હતા. લોકોએ ટ્રમ્પને સંદેશ આપ્યો કે તેઓ પોતાનો હાથ જાહેર હિતોથી દૂર રાખે. લોકશાહી પર હુમલો ન કરે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વિરૂદ્ધ અમેરિકાભરમાં સરકારી નોકરીઓમાં ઘટાડા, નબળા અર્થતંત્ર, માનવ અધિકાર અને અન્ય મુદ્દાઓને લઈને વ્યાપક વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં પણ ટ્રમ્પ-મસ્કની જોડી વિરૂદ્ધ પ્રદર્શનો યોજાયા હતા.
પહેલીવાર કોઈ પ્રમુખનો આટલો વિરોધ
‘ઈન્ડિવિઝિબલ’ અને ‘મૂવઓન’ જેવા નાગરિક અધિકાર સંગઠનો, ‘સર્વિસ એમ્પ્લોઈઝ ઈન્ટરનેશનલ યુનિયન’ (SEIU) જેવા મજૂર સંગઠનો, ‘ગ્રીનપીસ’ જેવી પર્યાવરણવાદી સંસ્થાઓ, મહિલા અધિકાર સંગઠનો, સિનિયર સીટિઝન્સ સંસ્થાઓ, LGBTQ+ ના ટેકેદારો જેવા વિવિધ ક્ષેત્રના 150થી વધુ જૂથે ગઠબંધન કરીને સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધનું આયોજન કર્યું અને પાંચમી એપ્રિલે તે સુપેરે પાર પાડ્યું. ટ્રમ્પ માટે વિરોધ એ કોઈ નવી વાત નથી, પરંતુ કોઈ અમેરિકન પ્રમુખનો આટલી મોટી સંખ્યામાં લોકો વિરોધ કરતા હોય એવું તો પહેલીવાર જ બન્યું છે. આ લોકોએ ટ્રમ્પની સાથે ટેસ્લાના માલિક ઈલોન મસ્કને પણ આડે હાથ લઈ લીધા છે. આ લોકોના વિરોધમાં દેશ-વિદેશમાં 1200થી વધુ રેલી યોજાઈ હતી, જેમાં 6 લાખ લોકોએ ભાગ લીધો હતો.
પ્રજામાં ટ્રમ્પ વિરુદ્ધ ગુસ્સો શા માટે?
• મોંઘવારી: ટ્રમ્પ 9 એપ્રિલથી 60 દેશ પર 10 ટકાથી 50 ટકાથી ટેરિફ લગાવી. અમેરિકામાં જરૂરી વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન, કપડાં, ફર્નીચર, ડેરી પ્રોડકટ સહિત મોંઘા થઈ જશે.
• છટણીઃ ડોજના વડા અને ટ્રમ્પના નજીકના એલોન મસ્ક અત્યાર સુધીમાં 50 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાં હાંકી કાઢ્યા છે. અગાઉ એક લાખ લોકોની છટણીની ચેતવણી આપી ચૂક્યા છે.
• એક્ઝિક્યુટિવ ઓર્ડરઃ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા, જાતીય સમાનતા અને રેફ્યુજી પ્રોગ્રામને બંધ કરવા માટે વિવાદિત ઓર્ડર આપ્યા હતા.
• મેડિકલ એડ: ટ્રમ્પે સોશિયલ સિક્યોરિટી હેઠળ મેડિકલ એડ બંધ કરવા આહવાન કર્યું છે. 35 કરોડની વસ્તીમાંથી 20 કરોડ લોઅર અને મિડલ ક્લાસ તેના પર નિર્ભર છે. સ્ટુટન્ડ લોન માફીને પણ ટ્રમ્પે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.