તહેરાનઃ ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની માહિતી પ્રમાણે, 2021માં મોખતારીએ પોતાના શરીર પર 64 ચમચી લગાવીને પહેલી વાર પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પછી તેણે 2023માં 85 ચમચી સાથે આ રેકોર્ડ તોડ્યો હતો અને હવે 96 ચમચી સાથે નવો વિશ્વવિક્રમ પોતાના નામે લખાવ્યો છે. મોખતારીનું હવે પછીનો ટાર્ગેટ ચમચીની સેન્ચુરી સાથેનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાનો છે. મોખતારીને તેની આ અજીબોગરીબ શારીરિક ક્ષમતા બદલ ‘હ્યુમન મેગ્નેટ’ નામથી પણ ઓળખાય છે. મોખતારીના શરીરમાં કુદરતી રીતે જ ચુંબકીય તત્વની હાજરી હોવાથી લોખંડ કે સ્ટીલની વસ્તુઓ તેના શરીર પર આપોઆપ ચોંટી જાય છે. મોખતારીએ પહેલી વાર રેકોર્ડ બનાવ્યો ત્યારે ચમચીઓ ગુંદર વડે ત્વચા પર ચોંટી જતી હોવાના આક્ષેપો થયા હતા. જોકે આ પછી ગિનીસ બુકના સત્તાવાળાઓએ જાહેરમાં પ્રયોગ કરીને તેના શરીરમાં ચુંબકીય તત્વ હોવાનું સાબિત કર્યું પછી હવે આક્ષેપો થતા નથી.