• H-૧બી વિઝા પરના પ્રતિબંધથી યુએસમાં રિસર્ચ ખોરંભે

Wednesday 15th March 2017 09:01 EDT
 

એચ-૧ બી વિઝા પર પ્રતિબંધ લગાવવાને કારણે સૌથી વધારે નુકસાન અમેરિકામાં વિજ્ઞાનના રિસર્ચને થયું છે. અમેરિકાના વિજ્ઞાનીઓના સમૂહે આ દાવો કર્યો છે. અમેરિકામાં રિસર્ચ મુખ્ય રૂપે વિદેશી વિજ્ઞાનીઓ કરે છે. અમેરિકન સોસાયટી ફોર સેલ બાયોલોજીના અનુસાર વિદેશથી આવતા વિદ્યાર્થીઓને હવે અમેરિકન વિઝા માટે રાહ જોવી પડશે.
• બેંક કૌભાંડોમાં આઇસીઆસીઆઇ, એસબીઆઇ મોખરેઃ એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૬માં સૌથી વધુ સંખ્યામાં બેંક કૌભાંડ કર્યાં હોય તેવી બેંકોની યાદીમાં ૪૫૫ કેસ સાથે આઈસીઆઈસીઆઈ મોખરે છે અને ૪૨૯ કેસ સાથે એસબીઆઈ દ્વિતીય ક્રમે છે એવું રિઝર્વ બેન્કે જણાવ્યું છે. રિઝર્વ બેંકના અહેવાલ મુજબ, આ નાણાકીય વર્ષના આરંભિક નવ મહિના દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂ. એક લાખ અને તેથી ઊંચી રકમનાં ૪૫૫ કૌભાંડના કેસ સામે આવ્યા હતા. ૪૨૯ કેસ સાથે એસબીઆઇ દ્વિતીય, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (૨૪૪) તૃતીય તો એચડીએફસી બેંક (૨૩૭) ચોથા સ્થાને રહી હતી.
• અસીમાનંદ છૂટતાં પાક.નું ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનરને તેડુઃ અજમેર દરગાહ વિસ્ફોટ કેસમાં અસીમાનંદ નિર્દોષ છૂટતાં પાકિસ્તાને ભારતીય હાઇ કમિશનરને હાજર થવા ફરમાન કરીને તીખી પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનનું કહેવું છે કે અસીમાનંદ સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટમાં પણ આરોપી છે. તેણે ભારત સમક્ષ માગ કરી છે કે તે આ કેસના દોષિતોને જલદી સજા કરે. પાક. વિદેશ મંત્રાલયના દક્ષિણ એશિયા અને સાર્ક બાબતોના ડાયરેક્ટર જનરલે ૧૦મીએ પાક. ખાતેના હાઇ કમિશનરને જે. પી. સિંહને હાજર થવા કહ્યું હતું.
• ધીરુભાઈને પદ્મ વિભૂષણ માટે એકદમ યોગ્યઃ રિલાયન્સ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીને મળેલું રાષ્ટ્રીય સન્માન પરત લેવા સંબંધી અરજી બાબતે ૧૦મીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધીરુભાઈ અંબાણીને મરણોપરાંત અપાયેલું પદ્મ વિભૂષણ સન્માન તેમના માટે યોગ્ય હતું. અંબાણીને આ સન્માન ગત વર્ષે અપાયું હતું. વકીલ પી. સી. શ્રીવાસ્તવે પોતાની અરજીમાં એવો તર્ક આપ્યો હતો કે ધીરુભાઈ અંબાણીએ દેશ માટે કોઈ ઉત્કૃષ્ટ કે અસાધારણ કામગીરી કરી નથી, તેથી તેમને મળેલું આ સન્માન પરત લઈ લેવું જોઈએ.
• દીકરીનો સવાલ - મારા પિતાને કેમ માર્યા? કેરળના કેન્નૂરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના કાર્યકર્તા સંતોષકુમારની કેટલાક દિવસો પહેલાં હત્યા થઈ હતી. તેમના મૃત્યુ બાદ તેમની દીકરી વિસ્મયાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે કશું પણ બોલ્યા વિના પોસ્ટર પર લખીને કહી રહી છે કે, મારા પિતા મારા તમામ સપનાં પૂરા કરવા ઇચ્છતા હતા, પરંતુ એકજ રાત્રિ પછી તમામ સપના ખત્મ થઈ ગયા. વિસ્મયા ૧૨ વર્ષની છે અને તે આઠમા ધોરણમાં ભણે છે. વિસ્મયાએ જણાવ્યું હતું કે તે મોટી થઈને પોલીસ અધિકારી બની પોતાના ગામના લોકોની મદદ કરવા માગે છે.
• સૈફુલ્લા એન્કાઉન્ટર બનાવટી હતુંઃ લખનઉમાં શંકાસ્પદ ત્રાસવાદી સૈફુલ્લાનાં એન્કાઉન્ટર મામલે રાષ્ટ્રીય ઉલેમા પરિષદના અધ્યક્ષ આમિર રશાદીએ એન્કાઉન્ટર બનાવટી હોવાના આક્ષેપ કરતાં કહ્યું છે કે પોલીસે તેને બંધક બનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બાટલાહાઉસની જેમ જ આ બનાવટી એન્કાઉન્ટર હતું. આ સરકારી ત્રાસવાદ છે. મકાનની આસપાસ પોલીસ ફરી રહ્યા હતા. કહેવાય છે કે ક્રોસ ફાયરિંગ થયું હતું. જો ક્રોસ ફાયરિંગ થયું હોય તો પોલીસવાળા ફરી કઈ રીતે રહ્યા હતા?
• ખોવાયેલું ચંદ્રયાન-૧ને ‘નાસા’નાં આધુનિક રડારે શોધ્યુંઃ ભારત તરફથી ચંદ્ર મિશન પર મોકલાયેલું અંતરિક્ષયાન ‘ચંદ્રયાન–૧’ ચંદ્રમાની પરિક્રમા કરતું જોવા મળ્યું. ચંદ્રયાન–૧ ગુમ થઈ ગયાનું ગણાતું હતું. ‘નાસા’ના ભૂમિ આધારિત રડાર ટેકનિકનો ઉપયોગ કરતા આ અંતરિક્ષયાનની ભાળ મેળવાઈ હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનો ચંદ્રયાન–૧ સાથે ૨૯ ઓગસ્ટ ૨૦૦૯નો સંપર્ક તૂટી ગયો હતો. તેને ૨૨ ઓક્ટોબર–૨૦૦૮ના રોજ અવકાશમાં છોડવામાં આવ્યું હતું.
• મારુતિ પ્લાન્ટમાં હિંસા અંગે ૩૧ દોષિતઃ સાડા ચાર વર્ષ પહેલાં મારુતિના માનેસર પ્લાન્ટમાં થયેલી હિંસા મામલે કોર્ટે ૩૧ જણાને દોષિત ઠેરવ્યા છે. એડિશનલ એન્ડ સેશન્સ જજ આર. પી. ગોયલે ૧૧૭ જણાને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. તેમાંથી ૯૦ જણા એવા હતા જેમનું નામ પણ એફઆઇઆરમાં નહોતું. કોર્ટ ૧૭ માર્ચે દોષિતોને સજા સંભળાવશે.
• મહિલાઓને ૨૬ સપ્તાહ મેટરનિટી લીવ મળશેઃ સંસદમાં ગુરુવારે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે મેટરનિટી લીવ સાથે સંકળાયેલ સંશોધિત બિલ પાસ કર્યું છે. આ બિલમાં મહિલાઓ માટે ઘણી સુવિધા જાહેર કરાઈ છે. તે અનુસાર પ્રથમ બે બાળકો માટે ૨૬ સપ્તાહની મેટરનિટી લીવ મળી શકશે. અગાઉ આ લીવ ૧૨ સપ્તાહની હતી. ત્રીજા કે તેથી વધારે બાળક માટે નવા નિયમનો લાભ નહીં મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter