• યુએસમાં ભારતીય મૂળની મહિલાને ૧૫ વર્ષની કેદ

Wednesday 14th September 2016 09:06 EDT
 

ક્વિન્સની રહેવાસી શીતલ રાનોતને આ વર્ષના જુલાઈમાં એક જ્યુરીએ ફર્સ્ટ ડિગ્રી ક્રાઈમ અને એક બાળકને જોખમમાં મૂકવા માટે દોષિત ગણાવી હતી. ક્વિન્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રિચર્ડ બચરે રાનોતને ૧૫ વર્ષની જેલની સજા તાજેતરમાં સંભળાવી છે. રાનોતની સાવકી પુત્રી માયાને ઘણી વાર ખાવાનું આપવામાં આવતું નહોતું. એક વખત તેને સાવરણીના હેન્ડલવાળા ભાગથી એટલી મારી હતી કે તેનું કાંડું તૂટી ગયું હતું અને હાડકું દેખાવા લાગ્યું હતું. તેને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું અને સર્જરી કરાવવી પડી હતી. ડિસ્ટ્રીક્ટ એટર્ની રિચર્ડ બ્રાઉને કહ્યું હતું કે રાનોત એક ખરાબ સાવકી માતાનું સૌથી મોટું ઉદાહરણ છે. તેણે બાળકીને નિર્દયતાથી મારપીટ કરી હતી. માયાના પિતા રાજેશ રાનોત પર પણ બાળકી પર હુમલો, ગેરકાયદે કેદમાં રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
• ૯/૧૧ હુમલાની ૧૫મી તિથિએ મૃતકોને અંજલિઃ ટ્વીન ટાવર પર હુમલાની ૧૫મી તિથિએ અમેરિકી પ્રમુખ ઓબામાએ મૃતકોને અંજલિ આપતાં જણાવ્યું હતું કે, ક્રૂરતાપૂર્વક ૩,૦૦૦ જીવોનો ભોગ લેવાયો તે ઘટનાને આપણે કદી નહીં ભૂલીએ. આ હુમલાને અંજામ આપનારા અલ-કાયદાને જડબાતોડ જવાબ આપવા સાથે સૂત્રધાર ઓસામા બિન લાદેન સાથે પણ ન્યાય તોળ્યો છે. તેમણે કહ્યું હતું કે અલ કાયદા અને આઈએસ જેવાં સંગઠનો અમેરિકાને ક્યારેય હરાવી નહીં શકે. ન્યૂ યોર્ક ખાતેનાં સ્મારકે અંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. મૃતકોના પરિવારજનોએ દુઃખભરી કવિતાઓનું ગાન કર્યું હતું.
• રશિયા-પાકિસ્તાન-ચીન સાથે સૈન્ય અભ્યાસ કરશેઃ એક જમાનામાં ભારતનું ખાસ મિત્ર ગણાતું રશિયા હવે ભારતના પડોશી દુશ્મનો પાકિસ્તાન તેમજ ચીન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. પાકિસ્તાન તો શીતયુદ્ધ સમયે રશિયાના દુશ્મનો પૈકીનું એક હતું, જોકે હવે રશિયા પહેલી વખત પાકિસ્તાન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. ચીન સાથે રશિયા વિવાદિત દક્ષિણ ચીન મહાસાગરમાં અભ્યાસ કરશે.
• કોરિયન દ્વીપકલ્પમાં તંગદિલીઃ નોર્થ કોરિયા દ્વારા પરમાણુ પરીક્ષણ કરાતાં કોરિયન દ્વીપકલ્પમાં તંગદિલી વ્યાપી ગઈ છે. અમેરિકા અને સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાને ગંભીર પરિણામો ભોગવવા ધમકી આપી છે. સાઉથ કોરિયાએ નિવેદનમાં કહ્યું છે કે નોર્થ કોરિયા સખણું નહીં રહે તો રાજધાની પ્યોંગયાંગને તબાહ કરી નાખીશું.
• બલુચમાં પાકિસ્તાની સેનાની મારો અને ફેંકો નીતિઃ માનવાધિકાર ભંગ સામે અવાજ ઉઠાવવા બલુચ રાજકીય, સામાજિક કાર્યકરોએ વિશ્વને અપીલ કરી છે. પાક. સૈનિકોએ અનેક પરિવારોના પુરુષોના અપહરણ કર્યા છે. તેમણે કાપો ને ફેંકોની નીતિ અપનાવી છે. બલુચમાં પાકિસ્તાનવિરોધી અને ભારતતરફી અવાજ ઉઠતાં જ પાકિસ્તાને હાથ ધરેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોત થઈ ચૂક્યા છે.
• ઉડતા વિમાનમાં બાજે બાકોરું પાડી દીધુંઃ સુદાનમાં ટેરકો એરનું બોઈંગ ૭૩૭ વિમાન અલ ફેશર એરપોર્ટ પર ઉતરાણ કરવા જઈ રહ્યું હતું ત્યારે જ એક વિશાળકાય બાજ પક્ષી સીધું વિમાનની આગળના ભાગ પર અથડાયું હતું અને તેમાં મોટું બાકોરું પાડી દીધું હતું. આ વિમાન સુદાનની રાજધાની ખાર્તોમથી આવી રહ્યું હતું. સદ્‌નસીબે આ ઘટનામાં વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિને જરા પણ ઈજા કે નુકસાન થયું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter