બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની યુકે અને યુરોપમાં સ્થાપના અને ઈતિહાસ

Thursday 20th August 2015 09:14 EDT
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેની પ્રવૃત્તિ આજે ભલે યુકે અને યુરોપમાં મોખરાની ગણાતી હોય પરંતુ મંદિર અને સંસ્થાને આ ટોચના સ્થાને પહોંચાડવા માટે કેટલાય અગ્રણીઅોની રાત દિવસની મહેનત જવાબદાર છે. સંસ્થા દ્વારા કરાતા આધ્યાત્મિક, સામાજીક અને સખાવતી સેવા કાર્યો જેવા કાર્ય કદાચ કોઇ જ સંસ્થા કરતી નથી તેમ કહીએ તો જરાય ખોટું નથી. ગુજરાતી ભાષા હોય કે હિન્દુઇઝમનું જ્ઞાન, સેવા કાર્યો હોય કે પછી કુદરતી કોપથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો માટે રાહત કામગીરી અને ફંડ એકત્ર કરવાની કામગીરી, મંદિર, સંતો અને સ્વયંસેવકો દ્વારા થતા કાર્યો બેનમૂન છે.

ગત સદીની મધ્યમાં યુકેમાં શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ સાથે BAPSના બીજ વવાયા હતા, જ્યારે ૧૯૫૦માં મહેન્દ્રભાઈ પટેલ (બેરિસ્ટર), કેન્ટસ્થિત પુરુષોત્તમભાઈ પટેલ અને અન્ય હરિભક્તોએ લંડનમાં પ્રસંગોપાત સત્સંગ માટે મળવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે લંડનમાં ભારતીયોની સંખ્યા વધતા સત્સંગીઓની સંખ્યા પણ વધી હતી.

ભારતમાં ૧૯૫૩માં યોગીજી મહારાજે જાણીતા વિદ્વાન અને લેખક ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા ડાહ્યાભાઈ ડી. મેઘાણીને લંડન જવા અને સત્સંગ વધારવા આશીર્વાદ પાઠવ્યા હતા. લંડન આવ્યા પછી મેઘાણી, ચંદુભાઈ, મગનભાઈ અને અન્ય સત્સંગીઓ નિયમિત મળવા લાગ્યા અને યોગી બાપાના સાપ્તાહિક પત્રોનું નિયમિત વાચન કરતા. તે પછી, ૧૯૫૮માં ભારત અને ઈસ્ટ આફ્રિકાથી આવેલા નવીનભાઈ સ્વામીનારાયણ, પ્રફુલભાઈ, ચિતરંજનભાઈ અને અન્યો જિંજા (યુગાન્ડા)ના રાવજીભાઈના જમાઈ પ્રહલાદભાઈના બેકર સ્ટ્રીટ નજીક સીમુર પ્લેસના નિવાસે સાપ્તાહિક સભા, ધૂન અને કીર્તન માટે મળવા લાગ્યા હતા. અહીં ઘણા વર્ષો સુધી વાર્ષિક અન્નકૂટ ઉત્સવ પણ ઉજવાયો હતો.

૧૯૫૯ના ઉનાળામાં સત્સંગ મંડળનું બંધારણ ઘડાયું હતું અને ‘સ્વામીનારાયણ હિન્દુ મિશન, લંડન ફેલોશિપ સેન્ટર’ નામથી તેની નોંધણી કરાઈ હતી. મિશનના અધ્યક્ષપદે ડી.ડી. મેઘાણી, મહેન્દ્રભાઈ બેરિસ્ટરને ઉપાધ્યક્ષ,પ્રફુલભાઈને સેક્રેટરી, ચંદ્રકાન્તભાઈ એન. ધુપેલિયાને ખજાનચીપદે નિયુક્ત કરાયા હતા, જ્યારે નવીનભાઈ સ્વામીનારાયણ તેમના આધ્યાત્મિક પ્રવચનો અને અનુભવોથી સત્સંગસભાઓને જ્ઞાનલાભ આપતા હતા.

સપ્ટેમ્બર ૧૯૫૯માં લંડન આવેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાના માનમાં યોગીજી મહારાજની ઈચ્છાનુસાર સૌપ્રથમ જાહેર સત્સંગ સમારંભ યોજાયો હતો. તત્કાલીન ભારતીય હાઈ કમિશનર શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત સહિત ૧૦૦થી વધુ મહાનુભાવોની હાજરીમાં મેઘાણીજીએ યોગીજી મહારાજ અને સત્સંગ મંડળની પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. નંદાજી ભગવાન સ્વામીનારાયણ અને યોગીજી મહારાજે દર્શાવેલી આચારસંહિતાથી પ્રભાવિત થયા હતા. મોમ્બાસા અને નાઈરોબીથી પણ ભક્તો નિયમિત મંડળની મુલાકાતે આવતા રહ્યા હતા. નવીનભાઈ સ્વામીનારાયણે ૧૯૬૪માં માન્ચેસ્ટર ખાતે સત્સંગસભા શરૂ કરી હતી.

યોગીજી મહારાજ ૧૯૭૦માં ઈસ્ટ આફ્રિકાના પ્રવાસે હતા ત્યારે ભક્તોએ તેમને લંડન આવવા આમંત્રણ આપ્યું હતું. યોગીજી મહારાજે ભક્તો મંદિર માટે ભૂમિ સંપાદિત કરે તો લંડન આવવા તૈયારી દર્શાવી હતી. યોગીજી મહારાજના આશીર્વાદથી ભક્તોએ લંડનમાં યોગ્ય સ્થળની શોધ આરંભી દીધી હતી. યોગીજી મહારાજે થોડાં વર્ષો અગાઉ જ ભારતમાં લંડનનો નકશો નિહાળતા મંદિર માટે યોગ્ય સ્થળનું પેન્સિલથી માર્કિંગ કર્યું હતું. આ જ સ્થળે મે ૧૯૭૦માં પ્રોપર્ટી મળી હતી.

મંદિરની સ્થાપના માટે ભક્તોની સંખ્યા ઓછી હતી, પરંતુ સ્વામીશ્રી (યોગીજી મહારાજ)ને લંડન બોલાવવાની ઈચ્છા અને ખુદ સ્વામીશ્રીની ઈચ્છા બધા માટે પ્રેરણાદાયી બની હતી. લંડનમાં ઈઝ્લિંગ્ટનનું સેન્ટ જ્હોન્સ બેપ્ટિસ્ટ ચર્ચ તેમની નજરમાં આવ્યું હતું. પ્રોપર્ટીમાલિકોની £૧૨,૦૦૦ની માગણી સામે ભક્તોએ £૯,૦૦૦ની ઓફર મૂકી હતી. ચાંગાના હરિભક્ત જયંતીભાઈને સ્વપ્નમાં આવેલા યોગીજી મહારાજે ચર્ચની જમીન £૯,૦૦૦ની આસપાસ મળી જશે તેમ કહ્યું હતું અને ખરેખર તેમ થયું હતું. ચર્ચના સત્તાવાળા £૯,૫૦૦માં જમીન મંદિરને આપવા તૈયાર થયા અને સ્વામીજીની ઈચ્છાનુસાર મંદિર નિર્માણ માટે ૭૭, એલ્મોર સ્ટ્રીટ પરનું ચર્ચ ખરીદી લેવાયું હતું.

યોગીજી મહારાજ તા. ૨૩મી મે, ૧૯૭૦ના દિવસે લંડન આવ્યા હતા. શ્રીજી મહારાજની પ્રેરણાથી સરકાર પણ થોડી જમીન આપશે અને ભવિષ્યમાં મોટુ મંદિર બનશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. લંડનના ઈઝ્લિંગટન ચર્ચની નવસજ્જા સાથે યોગીજી મહારાજના હસ્તે રવિવાર તા. ૧૪મી જૂન ૧૯૭૦ના દિવસે પશ્ચિમી વિશ્વમાં સર્વપ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીજી મહારાજના હસ્તે શુદ્ધિકરણ કરાયેલી પવિત્ર મૂર્તિઓ કમ્પાલાથી લવાઈ હતી. યજ્ઞ અને નગરયાત્રા પછી નવા મંદિરમાં મૂર્તિઓની સ્થાપના થઈ હતી. લંડનમાં ભવ્ય શિખરબદ્ધ જરૂર મંદિર બનશે તેવા આશીર્વચન સાથે યોગીજી મહારાજ અને સાધુઓ છ સપ્તાહ યુકેમાં રોકાયા હતા. તેમણે લેસ્ટર, લફબરો, લુટન સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.

યોગીજી મહારાજનું ૭૮ વર્ષની વયે તા. ૨૩મી જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ નિધન પછી ગાદીનો કાર્યભાર પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ હસ્તક આવ્યો હતો. તેમણે ૧૯૭૨માં ગુજરાતના પીપલાણા ગામે પોતાના ગુરુની ઈચ્છા યાદ કરતા લંડનમાં આરસના શિખરબદ્ધ મંદિરના નિર્માણની પ્રાર્થના કરી હતી. ૧૯૭૨માં યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા હજારો હરિભક્તો અને ભારતીયોએ ઈંગ્લેન્ડમાં સ્થળાંતર કર્યા પછી ઈઝ્લિંગ્ટન મંદિરમાં ભક્તોનો સમાવેશ મુશ્કેલ બનતો હતો. પ્રમુખ સ્વામી મહારાજે ૧૯૭૪માં ઈઝ્લિંગ્ટન મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, શ્રી રાધા-કૃષ્ણ અને ગુરુ પરંપરાની પેઈન્ટ કરેલી વિશાળ મૂર્તિઓની સ્થાપના કરી હતી. તેમણે ૧૯૭૭ના યુકે પ્રવાસ દરમિયાન આસ્ટન, લેસ્ટર અને વેલિંગબરોમાં નાના મંદિરોનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પછી નીસડનમાં મીડો ગાર્થ પર નવી ૨.૨૫ એકર ભૂમિ સંપાદિત કરવામાં આવી હતી. મંદિર અને સભાખંડના નિર્માણ માટે ફેક્ટરીના સ્થળને નવું સ્વરૂપ અપાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦ જુલાઈ ૧૯૮૦ના દિવસે ભૂમિપૂજન કરાવ્યું હતુ અને ૧૯૮૨માં નીસડનમાં નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે તેમણે લંડનમાં પરંપરાગત શિખરબદ્ધ મંદિરના નિર્માણનો વિચાર રજૂ કર્યો હતો. મૂળ યોજના મીડો ગાર્થ સ્થળે જ મંદરના નિર્માણની હતી. જોકે, સ્થપતિઓ અને ઈજનેરોના કહેવા અનુસાર મંદિરના હેતુ માટે આ જગ્યા નાની હતી. બીજી તરફ, યુકેમાં પ્રેસ્ટન, બર્મિંગહામ, લુટન, ક્રોલી અને અન્ય સ્થળોએ નવા સત્સંગ કેન્દ્રો ખોલાયાં હતાં.

નવા મંદિર માટે ૧૯૮૪માં નોર્થ-વેસ્ટ લંડનના હેરોમાં ૪.૫ એકરનો વિશાળ પ્લોટ મેળવાયો હતો, જેના માટે ડીપાર્ટમેન્ટ ઓફ એન્વાયરન્મેન્ટ દ્વારા ડિસેમ્બર ૧૯૮૬માં પ્લાનિંગ પરમિશન નામંજુર કરાઈ હતી. ૧૯૯૦માં મીડો ગાર્થ પરના હાલના મંદિર સામેની જમીનો વેચાણા માટે મૂકાતા સ્વામીશ્રીએ તે ખરીદી લેવા ભક્તોને જણાવ્યું હતું. ભક્તો, ટ્રસ્ટીઅો અને સંતોની મહેનત રંગ લાવી હતી અને તા. ૭ જુલાઈ, ૧૯૯૧ના દિવસે સ્વામીશ્રીએ શિખરબદ્ધ મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. નવેમ્બર ૧૯૯૨માં નવા મંદિરની કામગીરી શરૂ થયા પછી સેંકડો સ્વયંસેવકોના પરિશ્રમ થકી માત્ર અઢી વર્ષમાં આરસ પથ્થરના પરંપરાગત શિખરબદ્ધ મંદિરનું સ્વપ્ન સાકાર થયું હતું. તે સમયે છ દિવસના મંદિર મહોત્સવના ભાગરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ના દિવસે BAPSશ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ઉદ્ઘાટન કર્યું હતું.

BAPSસ્વામીનારાયણ સંસ્થાની પ્રવૃત્તિઓ

યુકેમાં BAPS સ્વામીનારાયણ સંસ્થા ભારતીય ડાયસ્પોરામાં સૌથી મોટા અને સૌથી સક્રિય હિન્દુ સંગઠનો પૈકીનું એક હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે. લંડનમાં આંતરરાષ્ટ્રીય નામનાપ્રાપ્ત અને લોકપ્રિય અને પરંપરાગત શિખરબદ્ધ BAPSશ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે વડુ મથક ધરાવતી સંસ્થા દ્વારા બર્મિંગહામ, કોવેન્ટ્રી, લીડ્ઝ, લેસ્ટર, લફબરો, લુટન, માન્ચેસ્ટર (આશ્ટન), નોટિંગહામ, પ્રેસ્ટન, સાઉથએન્ડ-ઓન-સી અને વેલિંગબરોમાં પણ હરિમંદિરો તથા સમગ્ર યુકેમાં સત્સંગ પ્રવત્તિઓ ચલાવતા ૨૪ કેન્દ્ર ધરાવે છે.

યુરોપની પણ BAPSની પ્રવત્તિઓનું વડુ મથક પણ ‘નીસડન મંદિર’માં જ છે. હાલ એન્ટવર્પ (બેલ્જિયમ) અને લિસ્બન (પોર્ટુગલ)માં મંદિરો ઉપરાંત, ડબ્લિન (રીપબ્લિક ઓફ આયર્લેન્ડ), મલાગા (સ્પેન), મિલાન અને રોમ (ઈટાલી), પેરિસ અને સાર્સેલેસ (ફ્રાન્સ), ઓસ્લો (નોર્વે) અને વિયેના (ઓસ્ટ્રીયા)માં કેન્દ્રો આવેલા છે.

પ્ર.બ્ર. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ‘અન્યોની ખુશીમાં જ આપણી ખુશી સમાયેલી છે’ના સાદા છતાં તલસ્પર્શી સંદેશાના દ્રઢ પાલન સાથે BAPSની પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. આ સિદ્ધાંત અને નિસ્વાર્થ સેવાના મૂળભૂત મંત્રની ભાવનાથી પ્રેરિત BAPS દ્વારા સ્થાનિક, કોમ્યુનિટી માટે આરોગ્ય, શિક્ષણ, પારિવારિક મૂલ્યો સહિતની બહોળી પ્રવૃત્તિમાં સંકળાયેલું છે. સંસ્થાની માનવ કલ્યાણના કાર્યો કરતી શાખા BAPS Charities UKઅને તેના સેવા કાર્યો સમગ્ર યુકેમાં નોંધપાત્ર બન્યા છે. આ આંતરરાષ્ટ્રીય ચેરિટી સંસ્થા યુકે અને અન્ય દેશોમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ, પરિવારો અને કોમ્યુનિટીઝને સેવા આપવા પ્રતિબદ્ધ છે. BAPS Charities UKવિશે વધુ જાણકારી મેળવવા સ્વતંત્ર વેબસાઈટ www.bapscharities.org.ની મુલાકાત લઈ શકો છો.

ધ સ્વામીનારાયણ સ્કૂલ, લંડન

મંદિરની સામે જ પશ્ચિમી વિશ્વમાં પ્રથમ સ્વતંત્ર હિન્દુ શાળા 'ધ સ્વામીનારાયણ સ્કૂલ' આવેલી છે. પૂજ્યવર પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત અને ૧૯૯૨થી કાર્યરત સહશિક્ષણની પ્રેપ અને સીનિયર સ્કૂલમાં હિન્દુ ભાવનાના પ્રેરક વાતાવરણમાં શ્રેષ્ઠ નેશનલ અભ્યાસક્રમ પૂરો પાડવાનું લક્ષ્ય છે. શાળામાં આશરે ૫૦૦ વિદ્યાર્થી કાર્યક્ષમ, જવાબદાર અને ધ્યેયપૂર્ણ નાગરિક બનવાના પાઠ ભણે છે. બરો ઓફ બ્રેન્ટમાં તે શિક્ષણની દૃષ્ટિએ શ્રેષ્ઠ શાળા હોવા સાથે જાન્યુઆરી ૨૦૧૧માં રાષ્ટ્રીય સ્તરે ચોથુ સ્થાન મેળવવા સાથે લંડનમાં સર્વોચ્ચ રેન્કની સ્વતંત્ર શાળાનુ બહુમાન પણ મેળવ્યું હતું. ધ સ્વામીનારાયણ સ્કૂલ વિશે વધુ જાણકારી તેની સ્વતંત્ર વેબસાઈટ www.londonmandir.baps.orgપરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter