લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સના 42મા જન્મદિવસ નિમિત્તે પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટને નોર્ફ્લોકમાં વેકેશન માણી રહેલા પરિવારની એક તસવીર પોસ્ટ કરી હતી. તસવીરમાં પ્રિન્સ વિલિયમ તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સ લૂઇસ અને પ્રિન્સેસ શાર્લોટ સાથે ધીંગા મસ્તી કરતા દ્રશ્યમાન થાય છે. તસવીરની સાથે પ્રિન્સેસ મિડલટને લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે પાપા, અમે બધા તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
નાદુરસ્ત તબિયતને કારણે કિંગ ચાર્લ્સનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડનો પ્રવાસ મોકૂફ
લંડનઃ કેન્સરની સારવાર ચાલી રહી હોવાથી કિંગ ચાર્લ્સે તેમનો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. કિંગ ચાર્લ્સની તંદુરસ્તી અંગેની ચિંતાઓના કારણે તેમના પ્રવાસની સમીક્ષા કરવામાં આવી હતી અને મેડિકલ સલાહ પ્રમાણે હાલ પ્રવાસ મોકૂફ રખાયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કિંગનો પ્રવાસ મોકૂફ રખાવાના કારણે બંને પક્ષે નિરાશા છે પરંતુ બધા તેમની બીમારી અંગે જાણે છે. હવે ભવિષ્યમાં તક મળશે ત્યારે આ પ્રવાસનું આયોજન કરાશે.
પ્રિન્સેસ એન ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં દાખલ કરાયાં
લંડનઃ ગ્લુસેસ્ટરશાયર ખાતેની એસ્ટેટમાં ઇજા પહોંચતા પ્રિન્સેસ રોયલ એનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. તેમને માથામાં નજીવી ઇજા પહોંચી હોવાનું બકિંગહામ પેલેસે જણાવ્યું હતું. તેમને ઘોડાનું માથું અથવા પગ વાગવાથી ઇજા થઇ હોવાનું અનુમાન છે. કિંગ ચાર્લ્સ પ્રિન્સેસ એનની સ્થિતિ અંગે સતત માહિતી મેળવી રહ્યાં છે. ઇજાના કારણે પ્રિન્સેસ એનનો કેનેડા પ્રવાસ મોકુફ રખાયો છે.


