'ફેશિયલ રેકગ્નિશન' ટેકનોલોજીની ભૂલોને કારણે વંશીય લઘુમતીઓ પર ખોટી ધરપકડનું જોખમ

Tuesday 17th November 2026 09:46 EST
 

લંડનઃ એક સત્તાવાર અહેવાલ અનુસાર પોલીસ અધિકારીઓ 'ફેશિયલ રેકગ્નિશન' ટેકનોલોજીના અચોક્કસ ડેટાને પુરાવા તરીકે ગણશે, તો નિર્દોષ લોકો, ખાસ કરીને વંશીય લઘુમતી સમુદાયના લોકોની ખોટી ધરપકડ થવાનું જોખમ રહેલું છે.

અહેવાલમાં જણાવાયું છે કે આ ટેકનોલોજી ગુનાખોરી સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેમાં ખામીઓ છે અને તેનો ઉપયોગ કરનારા અધિકારીઓને હંમેશા એ ખ્યાલ હોતો નથી કે આ ડેટાની ખરાઈ કરવા માટે વધુ તપાસ કરવી અનિવાર્ય છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક તપાસકર્તાઓને એ જાણકારી નહોતી કે જૂના રેકર્ડના પરિણામો નક્કર પુરાવા નહીં પણ માત્ર એક ગુપ્ત ઇન્ટેલિજન્સ છે અને અધિકારીઓ કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરે તે પહેલાં તેની વધુ તપાસ કરવી જરૂરી છે. આનાથી એવું જોખમ ઊભું થાય છે કે લોકોની ખોટી ઓળખ થઈ શકે છે અથવા તેમની ખોટી ધરપકડ થઈ શકે છે, જેનાથી આ ટેકનોલોજી પરથી જનતાનો વિશ્વાસ ડગી શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે અલ્ગોરિધમમાં હજુ પણ પૂર્વગ્રહની સમસ્યાઓ છે, જેમાં વંશીય લઘુમતીના લોકોને શંકાસ્પદ તરીકે ખોટી રીતે ચિહ્નિત કરવાની શક્યતા વધુ રહેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter