1 એપ્રિલથી એનર્જી પ્રાઇસ કેપ 1690 પાઉન્ડ, સરેરાશ 238 પાઉન્ડની રાહત

બે વર્ષ બાદ એનર્જી પ્રાઇસ કેપ સૌથી નીચા સ્તરે પહોંચી, માસિક 20 પાઉન્ડની બચત

Tuesday 27th February 2024 10:55 EST
 
 

લંડનઃ પહેલી એપ્રિલથી બ્રિટનમાં મોટાભાગના પરિવારોના એનર્જી બિલમાં સરેરાશ વાર્ષિક 238 પાઉન્ડનો ઘટાડો થશે. ઓફજેમ દ્વારા 1 એપ્રિલથી પ્રાઇસ કેપ 1690 પાઉન્ડ પ્રતિ વર્ષ જાહેર કરાઇ છે. યુક્રેન પર રશિયાના આક્રમણના બે વર્ષ બાદ એનર્જી પ્રાઇસ કેપ સૌથી નીચા સ્તરે પહોંચી છે.

જથ્થાબંધ ગેસની કિંમતોમાં ઘટાડો થયા બાદ એનર્જી પ્રાઇસ કેપમાં ઘટાડો કરવાનો ઓફજેમ દ્વારા નિર્ણય લેવાયો છે. અમેરિકાથી થઇ રહેલી ગેસની આયાત અને યુરોપમાં ગેસનો જથ્થો ટોચની સપાટી પર પહોંચ્યા બાદ ગેસની જથ્થાબંધ કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

માર્ચ 2022માં એનર્જી પ્રાઇસ કેપ 1928 પાઉન્ડ પ્રતિ વર્ષની ટોચે પહોંચ્યા બાદ અત્યાર સુધીમાં પ્રાઇસ કેપમાં 12 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેના કારણે એનર્જી બિલમાં 20 પાઉન્ડ પ્રતિ માસ બચત થશે. જોકે વણચૂકવાયેલા બિલો માટે સપ્લાયરોને વળતર મળી રહે તે માટે એનર્જી રેગ્યુલેટર એપ્રિલથી આગામી વર્ષના માર્ચ સુધી દરેક બિલમાં 2.33 પાઉન્ડ પ્રતિ માસનો ચાર્જ લગાવશે.

ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રિઅર્લીએ જણાવ્યું હતું કે, એનર્જી પ્રાઇસ કેપ છેલ્લા બે વર્ષના તળિયે પહોંચી છે તે એક સારા સમાચાર છે. એનર્જી કટોકટીની ટોચ પર પહોંચ્યા બાદ સરેરાશ પરિવારને એનર્જી બિલ પર 690 પાઉન્ડની રાહત મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter