લંડન
1 એપ્રિલથી નેશનલ મિનિમમ વેજમાં વધારો થતાં 17 લાખ કર્મચારી અને કામદારોને પગારવધારાનો લાભ મળશે. 23 અને તેથી વધુ વયના કર્મચારીઓ અને કામદારોના પગારમાં લગભગ 10 ટકા એટલે કે પ્રતિ કલાક 92 પેન્સ વધીને 10.42 પાઉન્ડ થયો છે. રિઝોલ્યૂશન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર છેલ્લા 24 વર્ષમાં નેશનલ મિનિમમ વેજમાં આ સૌથી મોટો વધારો છે. જેના કારણે ઓછો પગાર ધરાવનારા કર્મચારીઓના પગારમાં ભાગ્યે જ જોવા મળતો પગારવધારો થશે. નેશનલ મિનિમમ વેજમાં વધારાના કારણે 17 લાખ કર્મચારીઓને સીધો પગાર વધારો અને 50 લાખ કામદારોને આડકતરો પગારવધારો મળશે.
બ્રિટનમાં નેશનલ મિનિમમ વેજનો પ્રારંભ એપ્રિલ 1999થી કરાયો હતો અને તે સમયે 22 અને તેથી વધુ વયના કામદારોને પ્રતિ કલાક 3.60 પાઉન્ડ લઘુત્તમ પગાર ચૂકવવામાં આવતો હતો. ટીયુસીનો આરોપ છે કે નેશનલ મિનિમમ વેજમાં ફુગાવા અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં થઇ રહેલા વધારા કરતાં ઓછો વધારો થઇ રહ્યો છે. ટીયુસીના જનરલ સેક્રેટરી પોલ નોવાકે જણાવ્યું હતું કે, કામ કરનાર દરેક વ્યક્તિને સારું જીવન ધોરણ પ્રાપ્ત કરી શકે તે પ્રમાણે વેતન મળવું જોઇએ. હાલમાં જે પગાર વધારો કરાયો છે તે જીવન ધોરણ સુધારવા માટે પુરતો નથી.
તેમણે જણાવ્યું હતું કે, એક એપ્રિલથી થઇ રહેલા પગાર વધારાનો મોટો હિસ્સો વધી રહેલા એનર્જી બિલમાં ખર્ચાઇ જવાનો છે. ખોરાકની મોંઘવારી પણ આ પગારવધારાને છીનવી લેશે. ઓછું વેતન ધરાવતા કર્મચારીઓના જીવનધોરણમાં કોઇ હકારાત્મક બદલાવ થવાનો નથી. બ્રિટનમાં ઓછા વેતનનો અંત લાવવાની જરૂર છે. દેશમાં નેશનલ મિનિમમ વેજ ઓછામાં ઓછું 15 પાઉન્ડ પ્રતિ કલાક હોવું જોઇએ.
સરકારની કરકસરે યુકેને વધુ ગરીબ દેશ બનાવી દીધો
ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, હેલ્થકેર અને સ્થાનિક સેવાઓમાં સરકારે અપનાવેલી કરકસરને કારણે બ્રિટન વધુ ગરીબ બની ગયો છે. એક થિન્ક ટેન્કના જણાવ્યા અનુસાર જાહેર રોકાણમાં બ્રિટન આંતરરાષ્ટ્રીય સ્તર કરતાં ઘણો પાછળ રહ્યો છે. જો યુકેએ આ સ્તરને જાળવી રાખ્યું હોત તો જાહેર રોકાણ આજના કરતાં 500 બિલિયન પાઉન્ડ વધુ હોત.

