લંડન
એકતરફ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સામે ઝઝૂમી રહેલા વિવિધ સેક્ટરના કર્મચારીઓ પગારવધારા માટે છેલ્લા બે મહિનાથી હડતાળો પર હડતાળો પાડી રહ્યાં છે ત્યારે બ્રિટનના સાંસદોને આપોઆપ પગાર વધારો મળી ગયો છે. 1 એપ્રિલથી સાંસદોના પગારમાં 2.9 ટકાનો વધારો કરાશે જેના કારણે તમનો પગાર 84,144 પાઉન્ડથી વધીને 86584 પાઉન્ડ પર પહોંચી જશે. એકતરફ પબ્લિક સેક્ટરના કર્મચારીઓ ફુગાવાના દરના આધારે પગાર વધારાની માગ કરી રહ્યાં છે. મંત્રીઓ કહે છે કે અમને એટલો પગાર વધારો પોસાય તેમ નથી પરંતુ ઇન્ડિપેન્ડન્ટ પાર્લામેન્ટરી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ સાંસદોના પગારમાં 2.9 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઓથોરિટીએ જણાવ્યું છે કે સાંસદોનો બેઝિક પગાર 2023-24માં ગયા વર્ષે પબ્લિક સેક્ટરના કર્મચારીઓના પગાર વધારા જેટલો જ વધારો થશે.
ઓથોરિટીના અધ્યક્ષ રિચર્ડ લોયડે જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટે સાંસદોના પગાર વધારાને મંજૂરી આપતાં અમે અત્યંત મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ, ફુગાવાના સંદર્ભમાં સરકારના પબ્લિક સેક્ટરના પગાર પ્રત્યેના વલણ અને સાંસદોના પગાર આપણી લોકશાહીમાં તેમની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું હતું કે, સાંસદોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના પણ તેમને યોગ્ય પગાર મળવો જોઇએ તે અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. સાંસદ તરીકે કામ કરનારા અમીરો પણ તેના હકદાર છે. દરેક સમુદાયના લોકો સંસદમાં પ્રતિનિધિત્વ મેળવી શકે તે આપણી લોકશાહી માટે અત્યંત આવશ્યક છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર ઓગસ્ટથી ઓક્ટોબર 2022માં પ્રાઇવેટ સેક્ટરમાં સરેરાશ પગાર વધારો 6.9 ટકા જ્યારે પબ્લિક સેક્ટરમાં 2.7 ટકા રહ્યો હતો.


