લંડનઃ એર ઇન્ડિયાએ 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતી સીધી ફ્લાઇટ બંધ કરી છે. તેના સ્થાને સપ્તાહમાં 3 દિવસ અમદાવાદથી લંડનના હિથ્રો એરપોર્ટ વચ્ચે ફ્લાઇટનું સંચાલન કરાશે.
હાલ અમદાવાદ-ગેટવિક વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસ ફ્લાઇટ ઓપરેટ થાય છે પરંતુ હવે સુરક્ષાનું કારણ આપીને એર ઇન્ડિયાએ અમદાવાદથી હિથ્રો વચ્ચે સપ્તાહમાં 3 દિવસ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી છે. ગેટવિકથી હિથ્રો એરપોર્ટ વચ્ચેનું અંતર 60 કિલોમીટરનું છે.
એર ઇન્ડિયાએ હિથ્રો ખાતેથી અમદાવાદની ફ્લાઇટનું સંચાલન બંધ કરી ગેટવિક ખાતે શરૂ કરી ત્યારે પણ ભારતીય અને વિશેષ ગુજરાતી સમુદાયે ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ એર ઇન્ડિયાએ ગુજરાતી પ્રવાસીઓને પડતી હાડમારી ધ્યાનમાં લીધી નહોતી. હવે જ્યારે એર ઇન્ડિયા પોતે મુશ્કેલીમાં મૂકાઇ છે ત્યારે તેણે હિથ્રોથી ફ્લાઇટ સંચાલનની જાહેરાત કરી છે. ગુજરાતી સમુદાયની લાગણી છે કે અમદાવાદની ફ્લાઇટનું સંચાલન હિથ્રો એરપોર્ટ ખાતેથી જ કરવામાં આવે.