1 ઓગસ્ટથી જામથી જામ ટકરાવાનું મોંઘું બનશે, આલ્કોહોલ ડ્યુટીમાં સરેરાશ 20 ટકાનો વધારો

જોકે પબમાં પીરસાતી બિયર પરની ડ્યુટીમાં 11 પેન્સનો ઘટાડો થશે, વાઇન અને શરાબ મોંઘા બનશે

Tuesday 21st March 2023 08:16 EDT
 
 

લંડન

યુકેમાં હવે જામથી જામ ટકરાવાનું મોંઘું બની રહ્યું છે. ચાન્સેલર જેરેમી હન્ટે આલ્કોહોલ પરના ટેક્સમાં મોટો વધારો કરતાં ઓગસ્ટ મહિનાથી વાઇન, બિયર અને શરાબની કિંમતોમાં મોટો વધારો થશે. ચાન્સેલરે આલ્કોહોલ પરની ડ્યુટી ફુગાવાના દર સાથે સાંકળીને વધારો કરતાં શરાબીઓએ ખિસ્સા વધુ હળવા કરવા પડશે. પરંતુ ચાન્સેલરે પબમાં પીરસાતા ડ્રાફ્ટ પિન્ટ્સ પરની ડ્યુટીમાં ઓગસ્ટથી 11 પેન્સનો ઘટાડો કર્યો છે. જેના કારણે ડ્રાફ્ટ બિયરના ચાહકો અને પબ્સને મોટો લાભ થશે.

ડિસ્ટિલર્સ અને બ્રુઅર્સે આલ્કોહોલ પરની ડ્યુટી યથાવત રાખવાની ચાન્સેલરને વિનંતી કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતાં આલ્કોહોલ પરના ટેક્સ વધારાને ઓગસ્ટ મહિના સુધી મોકુફ રાખ્યો છે. દરેક પ્રકારના આલ્કોહોલ પર અલગ અલગ ટેક્સ લાગુ પડે છે પરંતુ હાલપુરતું 1 ઓગસ્ટ સુધી તે અમલમાં નહીં આવે.

ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં મેં આલ્કોહોલ પરની ડ્યુટી 1 ઓગસ્ટ સુધી યથાવત રાખી હતી પરંતુ હવે ઓગસ્ટથી આલ્કોહોલ પરની ડ્યુટી સામાન્ય રીત પ્રમાણે ફુગાવાના દરને અનુસંગત વસૂલવામાં આવશે. રિટેલ પ્રાઇઝ ઇન્ડેક્સ 10.1 ટકા હોવાથી તેને અનુસંગત ડ્યુટીની વસૂલાત કરાશે. જોકે સુપર માર્કેટ કરતાં પબમાં બિયરની કિંમતો 11 પેન્સ સસ્તી રહેશે. બિયર માટે ડ્રાફ્ટ રિલિફ પાંચ ટકાથી વધીને 9.2 ટકા, વાઇન માટે 20 ટકાથી વધીને 23 ટકા રહેશે. જોકે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે આલ્કોહોલ ડ્યુટીમાં 20 ટકાનો વધારો થશે. વાઇનની એક બોટલ પર સરેરાશ 44 પેન્સ વધારે ચૂકવવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter