1 જાન્યુઆરી 2024થી વિદેશી વિદ્યાર્થીઓના આશ્રિતોને વિઝા પર પ્રતિબંધ અમલમાં

વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પરિવારજનોને યુકેમાં લાવવાની ગેરવ્યાજબી પ્રથાનો અંતઃ ક્લેવરલી

Wednesday 03rd January 2024 08:38 EST
 
 

લંડનઃ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું હતું કે, નવા વિઝા નિયમો અમલમાં આવતાની સાથે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમના પરિવારજનોને યુકેમાં લાવતી ગેરવ્યાજબી પ્રથાનો અંત આવી ગયો છે. ક્લેવરલીએ દાવો કર્યો છે કે આ પ્રતિબંધના કારણે માઇગ્રેશનની સંખ્યામાં લાખોનો ઘટાડો કરી શકાશે. નવા નિયમો અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અને ચોક્કસ સ્કોલરશિપ મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓ જ પોતાના પરિવારજનને યુકેમાં લાવી શકશે. આ નવા નિયમની જાહેરાત તત્કાલિન હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન દ્વારા મે મહિનામાં કરાઇ હતી.

જોકે નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વિદેશી વિદ્યાર્થીઓના પરિવારજનોને યુકેમાં લાવવા પરના પ્રતિબંધના કારણે યુકેની યુનિવર્સિટીઓ પર વિપરિત અસર થઇ શકે છે. યુકેની યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ચૂકવાતી ફી પર મોટો આધાર રાખી રહી છે. અભ્યાસ માટેના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકેની યુકેની પ્રતિષ્ઠા પણ ઝંખવાઇ શકે છે.

1 જાન્યુઆરી 2024થી બ્રિટનમાં અભ્યાસ શરૂ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના જીવનસાથી અથવા તો પરિવારજન માટે યુકેના વિઝાની પરવાનગી નહીં અપાય. ક્લેવરલીએ જણાવ્યું હતું કે, માઇગ્રેશનની સંખ્યા ઘટાડવા માટે સરકારે આકરી યોજના બનાવી છે. અમે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમના પરિવારજનોને યુકેમાં લાવવાની ગેરવ્યાજબી પ્રથાનો અંત લાવી રહ્યાં છીએ. આ પ્રતિબંધના કારણે 3 લાખ લોકોને યુકેમાં આવતા અટકાવી શકાશે.

ઇમિગ્રેશન મિનિસ્ટર ટોમ પર્સગ્લોવે જણાવ્યું હતું કે, વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા તેમના આશ્રિતોને યુકેમાં લાવવાની સંખ્યામાં મોટો વધારો થયો છે જેના કારણે માઇગ્રેશન પણ ચરમસીમા પર પહોંચ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter