લંડનઃ 1 જૂનથી સમગ્ર યુકેમાં ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ અમલમાં આવ્યો છે. યુવાઓમાં વેપ્સનો ઉપયોગ ઘટાડવા અને તેના દ્વારા ફેલાતા કચરાને અટકાવવા સરકાર દ્વારા આ પગલું લેવાયું છે. પ્રતિબંધને પગલે હવે કોઇપણ શોપ કે સુપર માર્કેટ સુધીના રિટેલર્સ સિંગલ યૂઝ વેપ્સનું વેચાણ કરી શકશે નહીં. આ પ્રતિબંધ ઓનલાઇન વેચાણ પર પણ લાગુ કરાયો છે. પ્રતિબંધનો અમલ સમગ્ર ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં લાગુ થશે.
શાળાઓમાં વધી રહેલા ડિસ્પોઝેબલ વેપ્સના ઉપયોગ અને તેના કારણે સર્જાતા કચરાને અટકાવવા આ પગલું ભરાયું છે. ડિસ્પોઝેબલ વેપ્સ એકવાર ઉપયોગમાં લેવાયા બાદ નકામા બની જાય છે. તેને રિચાર્જ કરી શકાતાં નથી અને કચરામાં ફેંકી દેવાતા હોય છે. તેનું રિસાયકલિંગ પણ મુશ્કેલ છે કારણ કે તેમાં રહેલી બેટરીના કારણે રિસાયકલિંગ દરમિયાન આગ ફાટી નીકળવાનું જોખમ રહેલું છે.
હવે પછી સિંગલ યૂઝ ડિસ્પોઝેબલ વેપ્સ વેચતા ઝડપાનારને પ્રથમ અપરાધ માટે 200 પાઉન્ડનો દંડ કરાશે. ફરી વાર ઝડપાનારને અમર્યાદિત દંડ અથવા જેલની સજા પણ થઇ શકે છે. શોપ્સ ફક્ત રિયુઝેબલ વેપ્સનું જ વેચાણ કરી શકશે.
સરકારનું પગલું બૂમરેંગ પૂરવાર થઇ શકે છેઃ નિષ્ણાતો
ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ બૂમરેંગ પૂરવાર થઇ શકે છે અને લોકો ધુમ્રપાન તરફ વળી શકે છે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા અપાઇ છે. વેપ્સનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ધુમ્રપાન છોડવામાં મદદરૂપ થવાનો છે. વેપિંગ ઇન્ડસ્ટ્રીના જ્હોન ડુન કહે છે કે ધુમ્રપાન છોડવામાં મદદ માટે જ વેપનો આવિષ્કાર કરાયો હતો. ડિસ્પોઝેબલ પ્રોડક્ટ્સને તેમાં સફળતા પણ પ્રાપ્ત થઇ છે. અમે ચિંતિત છીએ કે આ પ્રતિબંધથી ધુમ્રપાનને પ્રોત્સાહન મળશે.