લંડનઃ આ સપ્તાહથી વાહનની નંબર પ્લેટમાં બદલાવ અમલી બન્યાં છે અને નિયમના ઉલ્લંઘન માટે વાહનચાલકોને 1000 પાઉન્ડનો દંડ થઇ શકે છે. નવી "25" નંબર પ્લેટ 1 માર્ચથી અમલી બની રહી છે. વાહનચાલકોએ તેમની નંબર પ્લેટ ડીવીએલએસ નિયમો મુજબની છે કે નહીં તે સુનિશ્ચિત કરવું પડશે.
બ્લેક સર્કલ્સના ટાયર કન્ટેન્ટ મેનેજર યો લોગાને જણાવ્યું હતું કે, યુકેના નંબર પ્લેટ કાયદા ઘણા કડક છે. તેનું પાલન નહીં કરનારને 1000 પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે. તમારી નંબર પ્લેટ કાયદેસર છે કે કેમ તેની ચકાસણી નંબર પ્લેટ સપ્લાયર અથવા ડીવીએલએ પાસે કરાવી શકાશે.
યુકેમાં વાહનની નંબર પ્લેટ ચોક્કસ ફોરમેટમાં હોય છે જેમાં વાહનના રજિસ્ટ્રેશનનો સમય અને સ્થળ દર્શાવાય છે. "25" રજિસ્ટ્રેશન પ્લેટ 1 માર્ચથી 31 ઓગસ્ટ 2025 વચ્ચે નોંધાયેલા વાહનો દર્શાવશે. તે આ 'AB25 XYZ' પ્રકારની હોઇ શકે છે.
"25" નંબર પ્લેટ બાદ 1 સપ્ટેમ્બર 2025થી '75' નંબર પ્લેટ આવશે જે 28 ફેબ્રુઆરી 2026 સુધીના રજિસ્ટ્રેશન દર્શાવશે.
પોલીસને દરેક વાહનચાલકની અંગત માહિતી ઉપલબ્ધ કરાવાશે
લેબર સરકારના નવા ક્રાઇમ કાયદાઓ અંતર્ગત પોલીસને દરેક વાહનચાલકની અંગત માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ડ્રાઇવર એન્ડ વ્હિકલ લાયસન્સિંગ એજન્સી (ડીવીએલએ) પાસે 50 મિલિયન વાહનચાલકોનો ડેટા છે. આ ડેટામાં વાહન ચાલકનું નામ, સરનામુ, જન્મતારીખ, ફોટોગ્રાફ, એન્ડોર્સમેન્ટ, ક્રાઇમની માહિતી અને સજા તથા મેડિકલ માહિતીનો સમાવેશ થાય છે. અત્યારે પોલીસ જ્યારે ટ્રાફિકના અપરાધની તપાસ કરે ત્યારે જ ડેટા પ્રાપ્ત કરી શકે છે. પોલીસને આ ડેટા મળતાં અન્ય અપરાધોની તપાસમાં પણ મદદ મળી રહેશે.