લંડનઃ 1 મે 2026થી ઇંગ્લેન્ડમાં નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ અમલી બનશે. સરકાર રેન્ટર્સ સુધારા લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ સુધારા અંતર્ગત ફિક્સ્ડ ટર્મ ટેનેન્સી કોન્ટ્રાક્ટનો અંત આવી જશે અને ભાડૂઆતોને રોલિંગ એગ્રિમેન્ટ્સ કરવા પડશે.
હાઉસિંગ સેક્રેટરી સ્ટીવ રીડે જણાવ્યું હતું કે, સરકાર રેન્ટર્સ રાઇટ્સ એક્ટની જોગવાઇઓ લાગુ કરીને લેભાગુ મકાન માલિકો પર નિયંત્રણ મેળવવા માગે છે. તેથી સારા મકાનમાલિકોએ તૈયાર થઇ જવું જોઇએ અને ખરાબ મકાન માલિકોએ તેમનું વર્તન સુધારી દેવું જોઇએ.
શેડો હાઉસિંગ સેક્રેટરી સર જેમ્સ ક્લેવરલીએ આરોપ મૂક્યો છે કે સુધારાના કારણે મકાન માલિકો બજારમાંથી બહાર થઇ જશે. ભાડાના મકાનોની અછત વધશે અને ભાડાંમાં વધારો થશે. પ્રતિબંધ 1 મે 2026થી અમલમાં આવી રહ્યો હોવાથી ઘણા ભાડૂઆતોને શોર્ટ નોટિસ પર મકાન ખાલી કરાવવામાં આવે તેવો ભય સેવાઇ રહ્યો છે.
2021થી 2023ની વચ્ચે ઇંગ્લેન્ડમાં 4.4 મિલિયન પરિવારોએ મકાન ભાડે રાખ્યાં હતાં. નવા નિયમોના કારણે 11 મિલિયન લોકો અસરગ્રસ્ત થશે.

