લંડનઃ ઈંગ્લેન્ડમાં ઉપયોગમાં લેવાયા વિનાના 1.5 બિલિયન પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ (PPE)ની એક્સપાયરી તારીખ પણ જતી રહી હોવાનું હેલ્થ ડિપાર્ટમેન્ટના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. 3.6 બિલિયન આઈટમ્સ ફ્રન્ટલાઈન ઉપયોગ માટે નકામી ગણાઈ છે પરંતુ, ડિપાર્ટમેન્ટે ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) દ્વારા તેના સ્ટોરેજ પાછળ 737 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરવામાં આવી છે.
જાહેર ખર્ચ વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસ (NAO) દ્વારા PPE કોન્ટ્રાક્ટ્સની તપાસના રિપોર્ટ અનુસાર હેલ્થ ડિપાર્ટમેન્ટે 3.6 બિલિયનથી વધુ PPE આઈટમ્સનો સંગ્રહ કર્યો હતો જેમાંથી આશરે 11 ટકા આઈટમ્સ ફ્રન્ટલાઈન સર્વિસીસ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ન હતી. કહેવાતા 51 VIP સપ્લાયર્સના અડધાથી વધુ સપ્લાયર્સે જે આઈટમ્સ પૂરી પાડી હતી તે ફ્રન્ટલાઈન સેવામાં કામે લઈ શકાય તેવી ન હતી. આ સપ્લાયર્સની ભલામણો સરકારી અધિકારીઓ, મિનિસ્ટ્ર્સની ઓફિસીસ, સાંસદો, વરિષ્ઠ NHS સ્ટાફ અને હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા કરાઈ હતી.
હેલ્થ ડિપાર્ટમેન્ટે માર્ચ2020થી ઓક્ટોબર 2021 વચ્ચેના ગાળામાં આ PPE આઈટમ્સના સંગ્રહ પાછળ 436 મિલિયન પાઉન્ડની પેનલ્ટીઝ સહિત કુલ 737 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી હતી. આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ 176 કોન્ટ્રાક્ટને વિવાદી ગણાવે છે જેની પાછળ અંદાજે 2.7 બિલિયન પાઉન્ડ પાણીમાં પડી જવાનું જોખમ રહ્યું છે. કુલ જોઈએ તો DHSCએ લગભગ 38 બિલિયન PPE આઈટમ્સ પાછળ 13.1 બિલિયન પાઉન્ડ ખર્ચવાના હતા તેમાંથી 12.6 બિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યા છે.


