લંડનઃ 2020થી વર્ક વિઝા પર બ્રિટનમાં આવેલા લગભગ 1.5 મિલિયન વિદેશી કામદારોને હવે યુકેમાં પરમેનેન્ટ રેસિડેન્સી માટે વધુ પાંચ વર્ષની રાહ જોવી પડશે. ઇમિગ્રેશન વ્હાઇટ પેપરમાં કરાયેલા સુધારા અનુસાર હવે યુકેમાં પાંચ વર્ષને બદલે 10 વર્ષના વસવાટ બાદ જ પરમેનેન્ટ રેસિડેન્સી અને નાગરિકતાના અધિકાર અપાશે. વ્હાઇટ પેપરમાં એ ઉલ્લેખ નથી કરાયો કે આ સુધારો તાજેતરમાં યુકે આવેલા વિદેશી કામદારો અથવા તો પહેલેથી યુકેમાં કામ કરી રહેલા વિદેશી કામદારોને લાગુ થશે.
હોમ સેક્રેટરી કૂપર આ બદલાવ છેલ્લા પાંચ વર્ષમાં યુકે આવેલા તમામ માઇગ્રન્ટ્સને લાગુ થશે કે કેમ તે અંગે સમીક્ષા કરવાના છે. જો આ બદલાવ તમામ માઇગ્રન્ટ્સને લાગુ થશે તો આ વર્ષે પરમેનેન્ટ રેસિડેન્સી માટે યોગ્ય ગણાનારા 1.5 મિલિયન વિદેશી કામદારોને અસર કરશે. તેમને હવે 10 વર્ષ સુધી રાહ જોવી પડશે.
લેબર સાંસદ ફ્લોરેન્સ ઇશાલોમીએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, મારા મતવિસ્તારના ઘણા લોકો મારો સંપર્ક કરી તેમના પર ઝળુંબી રહેલી અનિશ્ચિતતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક વ્યક્તિએ તો મને એમ પણ કહ્યું છે કે અમારું સ્ટેટસ જોખમમાં છે તેથી યુકે છોડવા વિચારી રહ્યો છું.
ઘણા લેબર સાંસદોએ વ્હાઇટ પેપરમાં સામેલ કેટલાંક પગલાં પર ચિંતા વ્યક્ત કરી છે.