લંડનઃ ભારતીય મૂળની ત્રણ બહેનોએ તેમના સ્વર્ગસ્થ પિતાની 1.6 મિલિયન પાઉન્ડની સંપત્તિના વિવાદમાં પોતાના જ ભાઈ સામેનો કાનૂની જંગ જીતી લીધો છે. આ કાનૂની લડાઈમાં ભારત સ્થિત એક સેફ ડિપોઝિટ લોકરમાં રાખવામાં આવેલા સોનાનો પણ સમાવેશ થાય છે. સપ્ટેમ્બર 2024માં 85 વર્ષીય હરિ ગ્રોવરનું કોઈ વસિયતનામું બનાવ્યા વિના અવસાન થયું ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો.
હરિ ગ્રોવરના એકમાત્ર પુત્ર સની ગ્રોવરને આ સંપત્તિના એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કરાયા હતા, જેમાં પશ્ચિમ લંડનના ઇલિંગ સ્થિત તેમના મકાનનો પણ સમાવેશ થતો હતો. પિતાની સૂચના મુજબ, પુત્રએ પારિવારિક સંપત્તિના સરખા ભાગ પાડવાના હતા અને પોતાની બહેનોની સંભાળ રાખવાની હતી.
જોકે સની ગ્રોવર તેમ કરવામાં નિષ્ફળ રહેતા ત્રણેય બહેનો ઐરન ગ્રોવર-જોન્સ, કિરણ કોટરેલ અને કેલી પુરીએ પોતાના ભાઈ સામે દાવો માંડ્યો હતો. બહેનોનો આક્ષેપ હતો કે તેમના પિતાની સંપત્તિનું મૂલ્ય તેમના ભાઈએ જાહેર કરેલા આંકડા કરતાં ઘણું વધારે છે. સત્તાવાર મૂલ્યાંકનમાંથી મોટી સંપત્તિઓ બાકાત રાખવામાં આવી હોવાની જાણ થતાં ત્રણેય બહેનોને શંકા ગઈ હતી અને તેમણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
બહેનોએ કોર્ટ સમક્ષ ધ્યાન દોર્યું હતું કે આશરે 3 લાખ પાઉન્ડની રોકડ બચત ઉપરાંત ભારતના એક સેફ્ટી ડિપોઝિટ બોક્સમાં સોનાની લગડીઓ અને દાગીના રાખવામાં આવ્યા છે, જેની કિંમત પાંચ લાખ પાઉન્ડ જેટલી થાય છે.
લંડનની મેયર્સ એન્ડ સિટી કાઉન્ટી કોર્ટે સની ગ્રોવરને તમામ પ્રોપર્ટીનો હિસાબ રજૂ કરવા અને બહેનોના કાનૂની ખર્ચ પેટે 80,000 પાઉન્ડ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

