લંડનઃ બાળ યૌનશોષણની ઘટનાઓ વધી રહી છે ત્યારે એડિનબરા યુનિવર્સિટીના ચાઈલ્ડલાઈટ યુનિટ તથા ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા 1500 બ્રિટિશ પુરુષોના કરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે 10માંથી એક (10.1 ટકા) પુરુષે બાળકો વિરુદ્ધ ઓનલાઈન જાતીય ગુનાઓ આચર્યા છે. આ પુરુષો 18 કે તેથી વધુ વયના હતા ત્યારે તેઓ બાળકો સાથે જાતીય સંપર્કમાં આવ્યા હોવાનું 20માંથી લગભગ એક વ્યક્તિ (4.8 ટકા)એ જણાવ્યું હતું.
સર્વેના તારણો કહે છે કે 5 ટકા બ્રિટિશ પુરુષો બાળકો પ્રત્યે સેક્સ્યુઅલ લાગણી ધરાવતા હતા અને તે લાગણીઓ મુજબ આગળ વધ્યા હતા. વધુ 7 ટકા બ્રિટિશરે સ્વીકાર્યું હતું કે તેમને બાળકો તરફ જાતીય લાગણીઓ હતી પરંતુ, તેમાં તેઓ આગળ વધ્યા ન હતા. ગયા વર્ષે યુએસસ્થિત નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સ્પ્લોઈટેડ ચિલ્ડ્રન્સ સાઈબરટિપલાઈનને યુકેમાં બાળકોના ઓનલાઈન યૌનશોષણની 310,000 થી વધુ શંકાસ્પદ ઘટનાઓના રેફરલ્સ મળ્યાં હતાં.
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ચાઈલ્ડ એબ્યુઝ એન્ડ નિગલેક્ટ (ISPCAN)ના જણાવ્યા મુજબ અંદાજે ચારમાથી એક છોકરી અને પાંચમાંથી એક છોકરાનું યૌનશૌષણ કરવામાં આવે છે.

