વડાપ્રધાન સર કેર સ્ટાર્મર વતી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ડાયસ્પોરા માટે 13 ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી સમારોહનું આયોજન કરાયું હતું. વડાપ્રધાન ઇજિપ્તમાં ગાઝા સમિટમાં ભાગ લેવા ગયા હોવાના કારણે તેમના વતી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કામ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સ્ટીવ રીડ (ઓબીઇ) યજમાન બન્યા હતા અને દીપ પ્રગટાવી આમંત્રિતોને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે મિનિસ્ટર એટ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ સીમા મલ્હોત્રાએ સમારોહનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન સ્ટાર્મર સાથે ભારતની ઐતિહાસિક મુલાકાતે ગયેલા સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ ડગ્લાસ એલેક્ઝાન્ડરે મુલાકાતની માહિતી રજૂ કરી હતી.
સમારોહમાં સાંસદો, લોર્ડ્સ, રાજદૂતો અને હાઇ કમિશ્નરો, કોમ્યુનિટી લીડર્સ, જીએલએ એસેમ્બ્લી મેમ્બર્સ, કિંગના આર્મ્ડ ફોર્સના સભ્યો, મંદિરો અને સામાજિક સંસ્થાઓના સભ્યો હાજર રહ્યાં હતાં. ડાયસ્પોરાનું પ્રતિનિધિત્વ કરતાં લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડ કરણ બિલિમોરિયા, સાંસદ સીમા મલ્હોત્રા, સાંસદ જીવન સંધેર, પૂર્વ લેબર સાંસદ વિરેન્દ્ર શર્મા, યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, યુગાન્ડાના યુકે સ્થિત હાઇ કમિશ્નર નિમિશા માધવાણી, ઇન્ડિયા એન્ગેજમેન્ટ – લેબર પાર્ટીના ઉદય નાગરાજુ, સાઉથ એશિયન હેરિટેજ મન્થના કોફાઉન્ડર જસવીર સિંહ (સીબીઇ), ગો ધાર્મિકના હનુમાન દાસ, ભક્તિવેદાંતા મેનોરના વિશાખા દાસી, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના તૃપ્તિ પટેલ, ચિન્મય સ્વરાંજલિ અને મયંક શાહ તથા કિરિટ વાડિયા હાજર રહ્યાં હતાં.
મહેમાનોને આવકારતાં સાંસદ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, બ્રિટનના સૌથી વૈવિધ્યપૂર્ણ મતદાર વિસ્તારના સાંસદ અને સરકારમાં મંત્રી હોવાનું મને ગૌરવ છે. દિવાળી આપણને અંધકાર પર પ્રકાશનો, નરસા પર સારાનો, હતાશા પર આશાનો વિજય યાદ અપાવે છે. આ ક્ષણે આપણા મૂલ્યો પણ પ્રતિબિંબિત થાય છે. તેના દ્વારા આપણે એકસાથે મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. આ મૂલ્યો હિંદુ, શીખ અને જૈનોના હૃદયોમાં વસે છે અને આપણી સરકારના મૂળમાં પણ તે જ મૂલ્યો છે. આપણા જેવા પરિવારો દ્વારા ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વણાયેલા છે. વડાપ્રધાનની તાજેતરની મુલાકાત દ્વારા આ બંધનો તાજા થયાં છે.
ત્યારબાદ ભક્તિવેદાંતા મેનોરના ટેમ્પલ પ્રેસિડેન્ટ વિશાખા દાસીએ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાંતર સાથે પૂજા કરાવી હતી. મહંત સ્વામી મહારાજ દ્વારા પાઠવાયેલ દિવાળી સંદેશ કિરિટ વાડિયા દ્વારા રજૂ કરાયો હતો. સ્ટીવ રીડનું અવંતિ સ્કૂલના બાળકો દ્વારા ફૂલહારથી સન્માન કરાયું હતું. ચિન્મય સ્વરાંજલિ દ્વારા હનુમાન ચાલીસાની સંગીતમય પ્રસ્તુતિ કરાઇ હતી.
ડાયસ્પોરાને સંબોધન કરતાં સ્ટીવ રીડે જણાવ્યું હતું કે, નમસ્કાર, વડાપ્રધાન સ્ટાર્મર વતી પ્રતિનિધિત્વ કરવાનું મને સન્માન પ્રાપ્ત થયું છે. મુંબઇમાં વડાપ્રધાન સ્ટાર્મરે દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. હું અંધકાર પર પ્રકાશના વિજયના દિવાળી સંદેશમાં આસ્થા ધરાવું છું. વડાપ્રધાને થોડા સપ્તાહ પહેલાં આયોજિત લેબર કોન્ફરન્સમાં મંદિર, લંગરમાં સેવાઓ કરનારાઓ અંગે વાત કરી હતી. હું સારી રીતે જાણું છું કે તમારા પરિવારોમાં સેવાની ભાવના પ્રબળ હોય છે. ભારતીય ડાયસ્પોરાની બ્રિટિશ સેના, બિઝનેસ, ટેકનોલોજી અને એઆઇ, એનએચએસમાં પ્રતિબદ્ધતા અમે જોઇ શકીએ છીએ. તેથી હું યુકેમાં તમારા યોગદાનની પ્રશંસા કરું છું. હું તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.