10 ડાઉનિંગ સ્ટ્રીટની રેસમાં હવે સુનાક, ટ્રસ અને મોરડૌન્ટ વચ્ચે જંગ

ચોથા રાઉન્ડમાં કેમી બેડનોક સ્પર્ધામાંથી બહાર

Wednesday 20th July 2022 05:07 EDT
 
 

લંડન: બોરિસ જ્હોન્સનના અનુગામીની રેસમાં મંગળવારે ચોથા રાઉન્ડના મતદાનમાં કેમી બેડનોક બહાર થઇ જતાં હવે રિશિ સુનાક સહિત લિઝ ટ્રસ અને પેની મોરડૌન્ટ મેદાને જંગમાં બાકી રહ્યાં હતાં. મતદાનમાં રિશિ સુનાક સૌથી વધુ 118 મત સાથે ટોચ પર રહ્યા જ્યારે પેની મોરડૌન્ટ 92 મત સાથે બીજા અને લિઝ ટ્રસ 86 મત સાથે ત્રીજા સ્થાને રહ્યાં હતાં.  સુનાક અંતિમ બેમાં સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે પરંતુ તેમને પડકાર આપવા માટે ટ્રસ અને મોરડૌન્ટ વચ્ચે સીધો જંગ લડાશે. હવે પાંચમા રાઉન્ડમાં અંતિમ બેમાં આવવા માટે ટ્રસ અને મોરડૌન્ટની નજર બેડનોકના 59 સમર્થકો પર રહેશે. ચોથા રાઉન્ડમાં બેડનોક 59 મત મળતાં સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા હતા.

ચોથા રાઉન્ડમાં રિશિ સુનાક 3 મત મેળવી શક્યા હતા જેના પગલે તેમના સમર્થનમાં કુલ 118 ટોરી સાંસદો થયાં હતાં. જોકે હતુ તેઓ કુલ 357 ટોરી સાંસદો પૈકીના 33 ટકા સાંસદોનું સમર્થ– હાંસલ કરી શક્યા નથી. જ્યારે લિઝ ટ્રસ આ રાઉન્ડમાં વધુ 15 સાંસદોનું સમર્થન હાંસલ કરીને 86 અને મોરડૌન્ટ 10 સાંસંદોનું સમર્થન હાંસલ કરીને 92ના આંકડા પર પહોંચ્યા હતાં.
આ અગાઉ ત્રીજા રાઉન્ડમાં પણ રિશિ સુનાક 115 મતના સમર્થન સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા જ્યારે પેની મોરડૌન્ટને 82 અને લિઝ ટ્રસ્ટને 71 મતનું સમર્થન હાંસલ થયું હતું. ચોથા સ્થાને કેમી બેડ઼નોક 58 મત મેળવી શક્યા હતા. ત્રીજા રાઉન્ડના અંતે 31 મત સાથે ટોમ ટુગેન્ધાત સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા હતા. આ પહેલાં બીજા રાઉન્ડના અંતે ભારતીય મૂળના સુએલા બ્રેવરમેનને સ્પર્ધામાંથી બહાર થવું પડ્યું હતું.
ટોરી નેતાપદની રેસમાં ડર્ટી ટ્રિક્સના આરોપો
ટોરી પાર્ટીમાં નેતાપદની રેસમાં ગંદી રાજરમતો રમાઇ હોવાના આરોપો મૂકાઇ રહ્યાં છે. બોરિસ જ્હોન્સન પર નેતાપદની રેસ પર પોતાનો પ્રભાવ પાડવાના પ્રયાસોનો પણ આરોપ મૂકાયો છે. તેમણે ચોથા રાઉન્ડના મતદાન પહેલાં ડિફેન્સ કમિટીના અધ્યક્ષ તોબિયાસ એલવૂડને પાર્ટી વ્હિપના પદેથી બરખાસ્ત કરી દેતાં તેઓ ચોથા રાઉન્ડમાં મતદાન કરી શક્યા નહોતા. એલવૂડ મોલ્દોવાના પ્રવાસે હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ પરના મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. બોરિસ કેબિનેટના મંત્રીઓએ આરોપ મૂક્યો હતો કે એલવૂડની માલ્દોવા મુલાકાતને સત્તાવાર પરવાનગી અપાઇ નહોતી.

ત્રીજો રાઉન્ડ -18 જુલાઈ
રિશિ સુનાક - કુલ 115 મત
પેની મોરડૌન્ટ – કુલ 82 મત
લિઝ ટ્રસ - કુલ 71 મત
કેમી બેડનોક - કુલ 58 મત
ટોમ ટુગાન્ધાટ – કુલ 31 મત (રેસમાંથી બહાર)

બીજો રાઉન્ડ -14 જુલાઈ
રિશિ સુનાક કુલ 101 મત
પેની મોરડૌન્ટ કુલ 83 મત
લિઝ ટ્રસ – કુલ 64 મત
કેમી બેડનોક - કુલ 49 મત
ટોમ ટુગાન્ધાટ - કુલ 32 મત
સુએલા બ્રેવરમેન - કુલ 27 મત

પ્રથમ રાઉન્ડ 13 જુલાઈ... જરૂરી મત - 30
રિશિ સુનાક - કુલ 88 મત
પેની મોરડૌન્ટ – કુલ 67 મત
લિઝ ટ્રસ - કુલ 50 મત
કેમી બેડનોક – કુલ 40 મત
ટોમ ટુગાન્ધાટ – કુલ 37 મત
સુએલા બ્રેવરમેન – કુલ 32 મત
નદીમ ઝહાવી – કુલ 25 મત
જેરેમી હન્ટ – કુલ 18 મત


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter