લંડનઃ યુકે પ્રવાસ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર સાથે મંગળવારે રાત્રે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સ્ટાર્મરે યુક્રેન-રશિયા યુદ્ધ પર યુકેનો પક્ષ જયશંકર સમક્ષ રજૂ કર્યો હતો.
વડાપ્રધાન સ્ટાર્મર સાથેની મુલાકાત બાદ જયશંકરે જણાવ્યું હતું કે, 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાન સ્ટાર્મર સાથે મુલાકાત કરીને આનંદ થયો. મેં ભારતના વડાપ્રધાન તરફથી સ્ટાર્મરને શુભેચ્છા પણ પાઠવી હતી. અમે દ્વિપક્ષીય અને આર્થિક સહકાર વધારવા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન સ્ટાર્મરે પણ યુક્રેન-રશિયા યુદ્ધ પર તેમના દેશના મંતવ્યો રજૂ કર્યા હતા.
જયશંકરની યુકે મુલાકાતના લેખા જોખાં
- યુકેના વડાપ્રધાન સ્ટાર્મર, ડેપ્યુટી પીએમ એન્જેલા રેયનર, વિદેશ મંત્રી ડેવિડ લેમી, બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સ સાથે વ્યૂહાત્મક સંકલન, રાજકીય સહકાર, વેપાર મંત્રણા, એજ્યુકેશન, ટેકનોલોજી, પીપલ ટુ પીપલ એક્સચેન્જ પર ચર્ચાઓ
- યુક્રેન, પશ્ચિમ એશિયા, બાંગ્લાદેશ અને કોમનવેલ્થ સહિતના વૈશ્વિક અને પ્રાદેશિક ઘટનાક્રમ પર ચર્ચા
- બંને દેશ વચ્ચેના વેપારને વેગ આપવા સહમતિ, હોમ સેક્રેટરી સમક્ષ ખાલિસ્તાની અલગતાવાદીઓ સામે પગલાં લેવા પર ભાર