10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દીવાળીના દીપ પ્રગટ્યાં

આપણા સંતાનો દીવાળીના દીપ પ્રગટાવી શકે તેવા બ્રિટનનું નિર્માણ કરવા માગુ છું – સુનાક

Wednesday 02nd November 2022 04:55 EDT
 
 

લંડન: બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડાપ્રધાન રિશી સુનાકે 26 ઓક્ટોબર 2022ના બુધવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દીવાળી સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમની સાથે પત્ની અક્ષતા મૂર્તિ લાલ અને સફેદ પરિધાનમાં હાજર રહ્યાં હતાં. દીવાળીની આ ઉજવણીમાં હાઉસ ઓફ કોમન્સ અને લોર્ડ્સના સભ્યો, સામાજિક સંગઠનો અને મંદિરોના પ્રતિનિધિઓ તેમજ સશસ્ત્ર દળોના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ભારતીય અને એશિયન સમુદાયના મહાનુભાવો એવા લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા, લોર્ડકરણ બિલિમોરિયા, બેરોનેસ સંદીપ વર્મા, લોર્ડ તારિક એહમદ, સાંસદ નદીમ ઝહાવી, પામ ગોસાલ, અમિત જોગિયા, રીના રેન્જર, અભિષેક સચદેવ, બ્રિટન ખાતેના ભારતના હાઇકમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, બ્રિટન ખાતેના બાંગ્લાદેશની હાઇકમિશ્નર મુના તસનિમ સમારોહમાં સામેલ થયાં હતાં.

રિસેપ્શન હોલના પેસેજ અને સીડીને પીળા અને નારંગી ગલગોટાના ફૂલ, રંગોળી અને દીવાથી સજાવવામાં આવ્યાં હતાં. હોલમાં મંદિર દ્વારા તૈયાર કરાયેલ અન્નકૂટ પણ મૂકાયો હતો. મહેમાનોને તાજ હોટેલ દ્વારા તૈયાર કરાયેલ વાનગીઓ અને સોફ્ટ ડ્રિંક્સ પીરસાયાં હતાં.

સમારોહમાં ભાગ લેવા આમંત્રિતો છેક સ્કોટલેન્ડ, વેલ્સ અને મિડલેડથી આવ્યાં હતાં. ચિન્મય મિશન સન્ડે સ્કૂલના બાળકો દ્વારા રિશી સુનાકને પુષ્પહાર પહેરાવવામાં આવ્યો હતો અને અક્ષતાને પુષ્પગુચ્છથી સન્માનિત કરાયા હતા. લોર્ડ ડોલર પોપટે પીએમ સુનાકને રૂમમાં આવકાર આપીને સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. આમંત્રિતોએ રિશી સુનાકને વધાવી લીધા હતા. રિશી સુનાકે દીપ પ્રગટાવ્યા બાદ પૂજારીએ ટૂંકી પ્રાર્થના કરાવી હતી.

મહેમાનોને સંબોધિત કરતા નવા વડાપ્રધાને ગયા મંગળવારે કિંગ ચાર્લ્સ સાથેની તેમની મુલાકાતની માહિતી આપી હતી. કિંગ ચાર્લ્સે તેમને દીવાળીના લાડુ ખવડાવ્યા હતા. સુનાકે હસતા હસતા જણાવ્યું હતું કે, કદાચને આ લાડુની વ્યવસ્થા કરવામાં લોર્ડ ગઢિયાના પ્રયાસો હોઇ શકે છે. રિશી સુનાકે 2020માં તેઓ કેવી રીતે ચાન્સેલર બન્યા અને 11 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કેવી રીતે દીવાળીના દીપ પ્રગટાવ્યા હતા તેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે આ વર્ષે વ્યસ્તતાના કારણે હું જાતે કશું કરી શક્યો નથી.

આ પ્રસંગે રિશી સુનાકે તેમના દાદી અંગે અને તેમના માતા-પિતા કેવી રીતે કેન્યા અને ટાન્ઝાનિયાથી બ્રિટન આવ્યા તેની યાદો રજૂ કરી હતી. સુનાકના માતા ઉષા સાઉથમ્પ્ટનમાં ફાર્માસિસ્ટ અને પિતા યશવીર જીપી તરીકે કામ કરતા હતા. રિશી સુનાક તેમની માતા દ્વારા સંચાલિત સુનાક ફાર્મસીમાં ડિલિવરી બોય તરીકે અને સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતાં. સુનાકે જણાવ્યું હતું કે, મારી સામે દેશના અર્થતંત્રને સ્થિર કરવાનો મહાકાય પડકાર છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રી  તેમના ભવિષ્ય તરફ આશાભરી મીટ માંડી શકે અને દીવાળીના દીપ પ્રગટાવી શકે તે માટેના બ્રિટનના નિર્માણ માટે હું તમામ પ્રયાસો કરીશ. તમને બધાને દીવાળીની શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter