લંડનઃ વિશ્વમાં દેખાડો કરનારાની કોઇ કમી નથી પરંતુ વરૂણ ચંદ્રા તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવે છે. વેસ્ટમિન્સ્ટરમાં કેટલાક લોકો હેડલાઇનમાં ચમકવા સતત પ્રયાસ કરતા રહે છે જ્યારે વરૂણ ચંદ્રા જેવી હસ્તીઓ પરદા પાછળ રહીને અદ્વિતીય કામગીરી કરી રહ્યાં છે. વરૂણ ચંદ્રાની ગણતરી આજે સ્ટાર્મર યુગના પ્રભાવશાળી આર્કિટેક્ટમાં થાય છે. વડાપ્રધાન સ્ટાર્મરના સ્પેશિયલ એડવાઇઝર તરીકે કામ કરી રહેલા વરૂણ ચંદ્રાને બ્રિટનની આર્થિક દિશાને બદલવાની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.
14 નવેમ્બરના રોજ કિંગ ચાર્લ્સના 77મા જન્મદિવસની ઉજવણી ન્યૂયોર્કના મેનહટ્ટન સ્થિત જે પી મોર્ગનના હેડક્વાર્ટરમાં કરાઇ હતી. આ પ્રસંગે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરના બિઝનેસ સલાહકાર અને અમેરિકા ખાતે બ્રિટિશ રાજદૂતની રેસમાં અગ્રણી એવા વરૂણ ચંદ્રાએ અમેરિકાના ટોચના બેન્કરો અને બિઝનેસ લીડર્સને લેબર સરકારના બિઝનેસ અને વિકાસ તરફી એજન્ડાથી વાકેફ કરાવ્યા હતા. વરૂણ ચંદ્રાએ કરેલી મહેનત ફળ લાવી રહી છે. અમેરિકાના મોટા બેન્કરો યુકેમાં વિસ્તરણ કરવા રાજી થઇ ગયા છે. વરૂણ ચંદ્રાએ અમેરિકા અને યુકે વચ્ચેની ટ્રેડ ડીલમાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી. હવે વડાપ્રધાન સ્ટાર્મર વરૂણ ચંદ્રાને અમેરિકા ખાતે બ્રિટિશ રાજદૂત તરીકે નિયુક્ત કરવા વિચારણા કરી રહ્યાં છે.
કોણ છે વરૂણ ચંદ્રા
- વડાપ્રધાન સર કેર સ્ટાર્મરના બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના વિશેષ સલાહકાર
- હેકલ્યુત એન્ડ કંપનીના ગ્લોબલ મેનેજિંગ પાર્ટનર રહી ચૂક્યાં છે
- 2008 પહેલાં લેહમેન બ્રધર્સ સાથે ઇન્વેસ્ટમેન્ટમાં કારકિર્દી શરૂ કરી હતી
- ભારતીય ઇમિગ્રન્ટ પરિવારનું ફરજંદ, સાઉથ શિલ્ડ્સમાં બાળપણ વીત્યું
- ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્નાતક
- રોયલ માર્સડેન કેન્સર ચેરિટી, બ્રિટિશ એશિયન ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી
- યંગ વિક અને રોયલ એકેડેમી ઓફ આર્ટ્સના પૂર્વ બોર્ડ મેમ્બર
- યુકે અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં મહત્વની ભુમિકા
- યુએઇમાંથી 1 બિલિયન પાઉન્ડનું મૂડીરોકાણ લાવવામાં મહત્વનું યોગદાન


