લંડનઃ 1997માં ફક્ત 10 પાઉન્ડમાં ખરીદાયેલી હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોનની અલભ્ય એવી પ્રથમ આવૃત્તિના હરાજીમાં 36,000 પાઉન્ડ ઉપજ્યાં છે. પુસ્તકની અગાઉની માલિક ક્રિસ્ટિન મેકકુલોકે 1997માં તેમના પુત્ર એડમ માટે ભેટ તરીકે સ્ટ્રેટફોર્ડ અપોન એવનના બૂક સ્ટોરમાંથી આ પુસ્તક ફક્ત 10 પાઉન્ડમાં ખરીદ્યું હતું. ક્રિસ્ટિન કહે છે કે અમે બૂકશોપમાં ગયાં હતાં અને મેં તેને 10 પાઉન્ડમાં ખરીદ્યું હતું.
લિચફિલ્ડમાં રેર બૂક ઓક્શન દ્વારા હરાજી કરાયેલી આ પ્રથમ આવૃત્તિના કુલ 45,000 પાઉન્ડ ઉપજ્યાં હતાં. જેમાં ખરીદનારનું પ્રિમિયમ પણ સામેલ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 1997માં આ આવૃત્તિ પ્રસિદ્ધ કરાઇ તેમાં ફક્ત 500 નકલ જારી કરાઇ હતી. તેમાંની આ એક નકલ છે. આ નકલો હાલમાં ભાગ્યે જ ઉપલબ્ધ બની શકે તેમ છે.


