લંડનઃ ગ્લાસગોમાં યોજાયેલા એન્ટિક્સ રોડ શોમાં પોતાના પિતાને એનાયત કરાયેલા વિક્ટોરિયા ક્રોસ મેડલને 10 મિલિયન પાઉન્ડ મળે તો પણ વેચવાનો પુત્રે ઇનકાર કરી દીધો હતો. ગ્લાસગોના આ એન્ટિક્સ રોડ શોમાં નિષ્ણાતોએ પુત્રને તેમના પિતાના વિક્ટોરિયા ક્રોસ મેડલ માટે 2,50,000 પાઉન્ડ ચૂકવવાની ઓફર કરી હતી.
બીજા વિશ્યુદ્ધ દરમિયાન 1945માં ભારતના પંજાબના નાઇક જ્ઞાન સિંહે બર્મામાં બ્રિટિશ સેના વતી લડતાં જાપાની દળો સામે અત્યંત બહાદૂરી પ્રદર્શિત કરી હતી. આ માટે કિંગ જ્યોર્જ છઠ્ઠા દ્વારા નાઇક જ્ઞાન સિંહને વિક્ટોરિયા ક્રોસ મેડલથી સન્માનિત કરાયા હતા.
એન્ટિક્સ રોડ શોમાં પિતાના મેડલ માટે ઓફર થયેલી કિંમતને નકારી કાઢતાં તેમના પુત્રે જણાવ્યું હતું કે, મને 10 મિલિયન પાઉન્ડ આપવામાં આવે તો પણ હું મારા પિતાને મળેલું સન્માન વેચવાનો નથી. મારા પિતાએ ક્યારેય વિશ્વ યુદ્ધ અંગેની માહિતી અમને આપી નહોતી. તેઓ જ્યારે પણ આ અંગે વાત નીકળે ત્યારે ઘણા લાગણીશીલ બની જતાં હતાં. તેમણે આ યુદ્ધમાં ઘણા સાથીઓ ગુમાવ્યા હતા.


